અમદાવાદ : શહેરના નારણપુરા ખાતે આવેલ રામેશ્વર એપાર્ટમેન્ટનાં રિડેવલપમેન્ટની મંજૂરી મળતાં સોસાયટીના રહીશો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી, ઢોલ-શંખનાદ અને ગરબા અને રાતે ફટાકડાની આતશબાજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.2019 થી શરૂ થયેલ રિડેવલપમેન્ટ પ્રક્રિયા આખરે 2022માં પૂર્ણ થતા રહીશો ખુશખુશાલ જણાયા હતા.
ગત તા-07-09-2022 ને બુધવારના રોજ પ્રગતિનગર ખાતે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફિસ ખાતે શુભમુહર્તમાં રામેશ્વર એપાર્ટમેન્ટ એસોસિયેશન અને શ્રીધર ઈન્ફ્રાકોન તથા ગુજરાત હાઉસીંગ બોર્ડ એમ ત્રણે પક્ષનો રિડેવલપમેન્ટ માટે ત્રી-પક્ષીય કરાર હાઉસીંગ બોર્ડની કચેરી ખાતે કરવામાં આવ્યો હતો.જેમાં સોસાયટીના એસોસિયેશનના સભ્યો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
રામેશ્વર એપાર્ટમેન્ટના પ્રમુખ સંદિપ ત્રિવેદીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 312 મકાનની અને 1200 થી વધુ રહીશોવાળી સોસાયટીમાં 90 ટકા થી વધુ સકારાત્મક વલણથી સંમત સભ્યોએ ભેગા મળી સોસાયટીને રિડેવલપમેન્ટમાં લઇ જઇ ભગીરથ કાર્યને પાર પાડયું છે. જેમાં એસોસિએશન કારોબારી સભ્યો, રહીશો અને બિલ્ડર બધાની સુઝબુઝથી પોલિસીની મર્યાદામાં રહી વધારાની માંગણીઓ સિવાય આ પ્રક્રિયામાં સુંદર ડીલ કરી એકતાના સંદેશ સાથે મોટી સોસાયટીને સમૂહ સાથે સ્વેચ્છાએ રિડેવલપમેન્ટમાં લઇ જઈ ઇતિહાસ રચીને અન્ય રિડેવલપમેન્ટ ઇચ્છતી સોસાયટીઓ માટે પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો છે.
તેઓએ રિડેવલપમેન્ટ અંગે વધુમાં જણાવ્યું હતું કે કુલ 14 માળના 15 ટાવર બનશે તથા હાલમાં રહીશો જે બાજુ કે જગ્યા પર છે ત્યાં જ તેમને ફાળવણી અને વૈક્લ્પીક વ્યવસ્થા પેટે ખાલી કરેલ તારીખથી મકાન ભાડું નવા મકાનનું પઝેશન મળે ત્યાં સુધી વાર્ષિક વધારા સાથે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. હયાત વિસ્તાર કરતા 40% વિસ્તારનું મકાન મળશે. હાલ 2 બીએચકે છે તેની જગાએ 3બીએચકે મકાન અદ્યતન સુવીધાઓ અને સગવડ સાથે 3 વર્ષ બાદ મળશે.
રામેશ્વર એપાર્ટમેન્ટમાં રિડેવલપમેન્ટની મંજૂરી બાદ ઐતીહાસીક કાર્યની સફળતાની ઉજવણીના ભાગરૂપ સોસાયટીમાં સાંજે રહીશો અને હોદેદારો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી ગળ્યું મોંઢુ કરાયું હતું. સાથે સાથે ઢોલ-શંખનાદ અને ગરબા સાથે ફટાકડાની આતશબાજી કરીને રિડેવલપમેન્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.