અમદાવાદ: અમદાવાદમાંથી એક એવો રીઢો વાહનચોર પકડાયો છે, જેના ગુનાહિત ઈતિહાસની સાથે જીવનની પણ એક કહાની ફિલ્મી જેવી છે. LCB ઝોન 1 એ હિતેશ જૈન નામના રીઢા વાહન ચોરને પાંચ ટુ-વ્હીલર સાથે ઝડપી લીધો છે. 3 વર્ષ, 150 એક્ટિવા અને 71 ગુના.. આ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ નથી, પણ એક અમદાવાદ શહેરમાં અગાઉ 100 વખત પકડાયા બાદ ફરી એની એ જ ઘટનાને અંજામ આપી હાલ 101 વાર પકડાયેલા આરોપીની હકીકત છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ LCB ઝોન 1 એ પૂર્વ બાતમીને આધારે બાઈક ચોરીના કેસમાં અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ કિરણ અપાર્ટમેન્ટમાં રહેલા 48 વર્ષિય હિતેશ જૈનની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે, શાહીબાગનો રહેવાસી આ હિતેશ જૈન અગાઉ ઘણીબધી વાર વાહન ચોરીના કેસમાં પકડાયો છે અને હાલમાં પણ ચોરાયેલા કેટલાક વાહનો તેની પાસે રહેલા છે. જેથી આ બાતમીના આધારે LCB ઝોન 1 તેની તપાસ કરતા તેની પાસેથી 4 એક્ટિવા સહિત કુલ 5 વાહનો મળી આવ્યા હતા.
બાદમાં તેની પૂછપરછમાં જે તથ્યો બહાર આવ્યા તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે અને પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે છેલ્લા 3 વર્ષમાં તેણે 100 થી વધુ એક્ટિવા ચોર્યા છે. જેમાંથી 71 જેટલા ચોરાયેલા વાહન તો પોલીસના રેકોર્ડમાં પણ દાખલ છે. આટલું જ નહીં તે અત્યાર સુધી તે 100થી વધુ વાર પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે, પણ જેલમાંથી બહાર આવતા જ ફરી એ જ ‘એક્ટિવા મિશન’ પર નીકળી પડતો હતો.
જોકે ટુ-વ્હીલર જ ચોરી કરવા પાછળનું કારણ એવું સામે આવ્યું છે કે તેની પત્નીની બેવફાઇના લીધે તે આ રવાડે ચઢ્યો હતો. તેણે તેની પત્નીને ટુ-વ્હીલર ભેટમાં આપ્યું તે ટુ-વ્હીલર લઈ પત્ની તેના પ્રેમીને મળવા જતી હતી. જેથી હિતેશને એટલી નફરત થઈ ગઈ તે સ્કૂટર ચોર બની ગયો. તે એક જગ્યાએથી ટુ-વ્હીલર ચોરી કરતો અને પેટ્રોલ પૂરું થઇ જાય ત્યાં જ બિનવારસી મૂકીને બીજેથી નવું ટુ-વ્હીલર ચોરીને શહેરમાં ફરતો હતો.
હાલ હિતેશની કડક પૂછપરછમાં ચોરીના એક્ટિવાના રાઝ તો ખુલ્યા છે અને તેની પાસેથી ચોરેલા 5 એક્ટિવા જપ્ત કરાયા છે. જોકે હિતેશે અમદાવાદ સિવાય ગુજરાતના અન્ય જિલ્લામાં વાહન ચોરીને અંજામ આપ્યો છે કે કેમ? તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. આમ, હાલ તો અમદાવાદ પોલીસે હિતેશના આ ‘એક્ટિવા કનેક્શન’ પર બ્રેક લગાવી દીધી છે. પણ સવાલ એ છે કે, શું જેલમાંથી છૂટ્યા પછી હિતેશનો આ બદલો શાંત થશે કે ફરી કોઈ નવું એક્ટિવા ચોરાશે?


