અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા વધુ એક પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદના જુના વાડજ સર્કલ પાસે ઓવરબ્રિજ તેમજ અંડરપાસ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઈન્ક્મટેક્ષથી વાયા પલક એપાર્ટમેન્ટ થઈને રાણીપ બાજુ 795 મીટર લંબાઈનો ઓવરબ્રિજ બનાવવામાં આવશે. તો દધીચિ બ્રિજ અપ્રોચ તરફથી અખબારનગર તરફ 417.97 મીટર લંબાઈનો ઓવરબ્રિજ તેમજ 9.5 મીટર પહોળો અંડરપાસ બનાવવામાં આવશે.
જુના વાડજ સર્કલ પાસે બનનારા આ ઓવરબ્રિજ અને અંડરપાસ પાછળ કુલ રૂપિયા 106.52 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ઓવરબ્રિજ બનવાથી આશ્રમ રોડ, ઇન્કમટેક્ષ, આરટીઓ તરફ જતા લોકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે.જે માટે ટેન્ડરીંગ ની પ્રક્રિયા પુરી કરી દેવામાં આવી છે. વિધાનસભા ચૂંટણી બાદ ખાતમુહુર્ત થાય તેવી શક્યતા છે.
આ સિવાય અમદાવાદમાં હાલમાં કુલ 13 બ્રિજનું કામ પ્રગતિમાં છે. આગામી દિવસોમાં 8 બ્રિજની કામગીરીનું આયોજન કરવામાં આવશે. હાલમાં અમદાવાદમાં નાના મોટા થઈ 82 જેટલા બ્રિજ અને અંડરપાસ છે.