અમદાવાદ : શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે, અમદાવાદમાં મોડી રાત્રે નીકળવું અસુરક્ષિત હોય તેવું લાગે છે. એક યુવક રાત્રે ઘરે જતો હતો ત્યારે ત્રણેક લોકોએ તેને રોક્યો હતો. બાદમાં ફોનની લૂંટ કરી હતી અને યુવક પાસે પાસવર્ડ માંગ્યો હતો. યુવકે પાસવર્ડ ન આપતા પર્સ લૂંટી ફરાર થઇ ગયા હતા અને છરીઓ ના ઘા ઝીકયા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા હેમીલ કુમાર ભટ્ટ તેમના પરિવાર સાથે રહે છે અને સાણંદ ખાતે આવેલા ટાટા મોટર્સ કંપનીમાં એપ્રેન્ટીસ કરે છે. ગઈકાલે તેઓ બપોરે એપ્રેન્ટીસ કરવા માટે ગયા હતા અને પરત ઘરે આવવા માટે નીકળ્યા હતા. ત્યારે રાત્રે એકાદ વાગ્યાના સુમારે ન્યુ રાણીપના આર્ય વિલા ફ્લેટ આગળ પહોંચતા એક બાઈક સાઈડમાં પાર્ક હતું અને તેની પાસે ત્રણ શખ્સો ઉભા હતા. મારતા મારતા આ ત્રણેય શખ્સોએ તેને બાઈક ઉપર થી ખેંચી રોડની સાઈડમાં ખુલ્લી જગ્યામાં લઈ જઈ ફરી વાર મારવા લાગ્યા હતા.આ ત્રણ શખ્સોમાંથી એક શખ્સે હેમિલ કુમારના પેન્ટના ખિસ્સામાં હાથ નાખી પાકીટ અને મોબાઈલ ફોન લઈ લીધો હતો.
બાદમાં આ શખ્સો એ હેમિલ કુમારને મોબાઈલ ફોનનો પાસવર્ડનું પૂછતાં પાસવર્ડ આપવાની ના પાડી હતી. જેથી બે શખ્સોએ હેમિલ કુમારને પકડી રાખ્યા અને એક શખ્સે ધારદાર છરાથી ઘા મારી દીધા હતા. બાદમાં આ શખ્સો મોબાઈલનો પાસવર્ડ ન આપતા મોબાઈલ ફોન ત્યાં જ ફેંકી પાકીટ લઈ જતા રહ્યા હતા. પાકીટમાં પાંચથી છ હજાર રૂપિયા તથા અન્ય ડોક્યુમેન્ટ ની લૂંટ કરી શખ્સો ફરાર થઈ જતા ફેમિલે સારવાર માટે ગયો હતા. બાદમાં સાબરમતી પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.