અમદાવાદ : અમદાવાદના શહેરીજનો ફરી એક વાર સાવધાન થઇ જવાનો વારો આવ્યો છે, જો તમે પેકેટ ડેરી પ્રોડેક્ટ ખરીદતા હોય તો વિચારજો, કારણકે શહેરની છાસવાલામાંથી ગત મહિને લીધેલા દૂધની બનાવટો અને મેંગો મઠ્ઠાના નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. ફુડ વિભાગે છાસવાલાની દુકાનોમાં ચેકિંગ દરમિયાન અખાદ્ય ફુડ ઝડપી પાડ્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ફુડ વિભાગે ગત મહિને શ્યામલ ચાર રસ્તા પાસેની છાસવાલા બ્રાન્ચમાંથી દૂધની બનાવટો અને મેંગો મઠ્ઠાના નમુના લીધા હતા. જેમાં મેંગો મઠ્ઠાના સેમ્પલમાં જંતુ નીકળ્યા હતા. જેને લઈ શહેરના કાલુપુર સ્વામિનારાયણ મંદિર અને પ્રેમ દરવાજા પાસે આવેલી છાસવાલા બ્રાન્ચની પ્રોડક્ટના નમુના લેવાયા હતા. અને આ બંને બ્રાન્ચના નમુના પણ અપ્રમાણિત હોવાનું ખુલ્યું છે. તો બીજી તરફ તંત્ર દ્વારા લેવાયેલા નમુનાના રિપોર્ટ એક મહિના બાદ આવતા ગ્રાહકોમાં પણ ચિંતા પ્રસરી છે કે, એક મહિના સુધી લોકોએ આવા અખાદ્ય પદાર્થ આરોગ્યા છે.
અમદાવાદ શહેરમાં દૂધ અને દૂધની બનાવટો વેચતાં વેપારીઓ સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી એક્ટના નિયમોનું પાલન કરતાં હોતા નથી તેના કારણે શહેરીજનોએ સહન કરવાનો વારો આવે છે. આ અગાઉ છાસવાલામાંથી ખરીદવામાં આવેલા મેંગો મઠામાં મરેલા મંકોડા જેવી જીવાત નીકળી હોવાની ફરિયાદને ગંભીરતાથી લઇ મ્યુનિ. ફૂડ વિભાગે નોટિસ પણ ફટકારી હતી.