અમદાવાદ : અમદાવાદના કાલુપુર સ્ટેશન બાદ હવે સાબરમતી સ્ટેશનને પણ રિડેવલપ કરાશે. સાબરમતી આશ્રમ અને ગાંધીજીની ઝલક જોવા મળે તે રીતે સ્ટેશનની ડિઝાઈન તૈયાર કરાઈ રહી છે. સ્ટેશન બિલ્ડિંગ પર પેસેન્જરોને ગાંધીજીના જીવનથી જોડાયેલા વિવિધ પાસા જેમાં ચરખા,દાંડી કૂચ જોવા મળશે. રેલવે અધિકારીએ જણાવ્યું કે,સાબરમતી સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ રૂ.334.92 કરોડના ખર્ચે શરૂ કરી દેવાયું છે.
સાબરમતીના ધર્મનગર ખાતે આવેલ વર્તમાન સ્ટેશનથી બુલેટ ટ્રેન સ્ટેશન, મેટ્રો ટ્રેન સ્ટેશન તેમજ બીઆરટીએસ સ્ટેશન પણ જોડવામાં આવશે.જેમાં રેલવે સ્ટેશનથી સ્કાયવોક દ્વારા બુલેટ ટ્રેન સ્ટેશન અને મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, સાબરમતી અને એઈસી મેટ્રો સ્ટેશનો તેમજ બીઆરટીએસ સ્ટેશન સુધી પહોંચી શકાશે. સ્ટેશન પર અલગ અલગ આગમન અને પ્રસ્થાન, પેસેન્જર પ્લાઝા, ભૂગર્ભ પાર્કિંગ હશે તેમજ બિલ્ડિંગ પણ ગ્રીન બનાવાશે.