અમદાવાદ : દેશભરમાં હાલ જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પડતર માગણીઓ સાથે હજારો લોકો રસ્તા પર ઉતર્યા છે. ત્યારે અમદાવાદમાં પણ શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ હતી. પાલડી ચાર રસ્તાથી શરૂ થયેલ રેલીમાં હજારો લોકો બેનર સાથે જોડાયા હતા. પાલડી ચાર રસ્તાથી ઇન્કમટેક્ષથી વાડજ થઈ RTO ખાતે 3 કિમી કરતાં લાંબી રેલી યોજાઈ હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં જૈન સમાજે પાલડી ચાર રસ્તાથી કલેકટર ઓફિસ સુધી રેલીનું આયોજન કર્યું. આ રેલીમાં બાળકો, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો અને જૈન મુનિઓ સહિતના લોકો હજારોની સંખ્યામાં જોડાયા. પોસ્ટર અને બેનર્સ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. કલેક્ટર ઓફિસ પાસે ધર્મસભા યોજાઈ હતી, આ ધર્મસભાના મંચ પરથી જૈનાચાર્યએ પોતાની માગ રાખી હતી. ત્યારબાદ આવેદન આપ્યું હતું.
જૈન સમાજની માંગ છે કે પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર જૈન મંદિરોમાં અસામાજિક તત્વો દ્વારા થઈ રહેલા દબાણોને દૂર કરવામાં આવે. જૈન મુનિઓ સાથે થતું ગેરવર્તન રોકવામાં આવે. પર્વતની તળેટીમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવામાં આવે. શેત્રુંજય પહાડ અને પ્રાચીન મંદિરોને થતા નુકસાનને રોકવા ગેરકાયદેસર ખનન બંધ કરાવવાની પણ માગ કરાઈ છે.
આ ઉપરાંત ઝારખંડ સરકારે સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતા જૈન સમાજ આકરા પાણીએ છે. જૈન સમાજનું કહેવું છે આમ કરવાથી સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. સમ્મેત શિખરને પર્યટન સ્થળ જાહેર કરાતા આ ધાર્મિક સ્થળને નુકસાન થવાનો પણ દાવો કરાયો છે.