અમદાવાદ : આ વર્ષના આરંભે શ્રી ગણપતિ દાદાની પરમ કૃપાથી સુંદર મજાનો શુભ સહયોગ આ વર્ષે આવતીકાલે ૧૦ મીએ વર્ષની પ્રથમ અને વર્ષની છેલ્લી અંગારીકા ચોથ છે. શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે અંગારીકા ચોથના દિવસે ભાવિક ભકતો ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક જોડાય છે.ગણેશ ભક્તોમાં અંગારિકા ચૌથનુ વિશેષ મહત્વ છે. ગણેશ ભગવાન ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને નવા વાડજ સહીત આજુબાજુમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.
સિધ્ધિ વિનાયક મંદિરના પૂજારી ધર્મેન્દ્રભાઈ વ્યાસે અંગારિકા ચોથ મહત્વ દર્શાવતા જણાવ્યું છે કે અખબારનગર સિધ્ધિ વિનાયક મંદિરે દર્શન કરવા માટે ભક્તો બહોળી સંખ્યામાં હાજર રહીને ગણપતિની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ ચોથનું ખૂબ મહત્વ રહેલું છે આ ચોથના દિવસે વ્રત કરવાથી ૨૧ ચોથનું ફળ પ્રાપ્ત થાય છે તેમજ આ ચોથ કરવાથી જીવનના દરેક સંકટો અને મુશ્કેલીઓ દૂર થાય છે વિદ્યાર્થીઓને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. ધનની કામના ધરાવનારને ધનની પ્રાપ્તિ થાય છે એટલે આ ચોથનું ખૂબ મહત્વ છે.
આ દિવસે મંદિરમાં અન્નકૂટ દર્શન, સવારે પાંચ વાગે મંગળાઆરતી, શણગાર આરતી, સહસ્ત્રજન પૂજાઓ સાથે અન્નકૂટ મહાદર્શન તેમજ રાત્રે મહાઆરતીનું આયોજન કરેલ છે તેવું ધર્મેન્દ્રભાઈ વ્યાસે જણાવ્યું હતું.