અમદાવાદ : ગુજરાતમાં હાલ વ્યાજખોરો સામે પોલીસ તંત્ર ડ્રાઇવ ચલાવી રહ્યું છે ઠેર ઠેર લોકદરબાર યોજી લોકોમાં જનજાગૃતિ આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતનો સૌથી મોટો વ્યાજખોરીનો મામલો કહી શકાય એવા ચોંકાવનારા અહેવાલ આવી રહ્યા છે.
અહેવાલો મુજબ સેટેલાઇટ પ્રેરણાતીર્થ રોડ પર આવેલા રત્નાકર એવન્યુમાં રહેતા બિલ્ડર રાકેશ શાહે ધંધાકીય કામ માટે આઠ જેટલા લોકો પાસેથી કરોડો રૃપિયા વ્યાજે લીધા હતા. જેમાં નાણાં આપનાર વ્યક્તિઓએ દાદાગીરી કરીને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી બિલ્ડર ઘર છોડીને હોટલમા રહેવા માટે ચાલ્યો ગયો હતો. તેમ છંતાય, સતત ધાકધમકી મળતા બિલ્ડરે ઉંઘની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે આનંદનગર પોલીસે આઠ લોકો વિરૃદ્વ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.
એટલું જ નહીં વ્યાજખોરો બિલ્ડરને હોસ્પિટલમાં જઈને કિડની, લીવર વેચીને પણ રૂપિયા વસૂલવાની ધમકી આપતા હતા. ચેક રિટર્ન કરી ખોટા કેસમાં પણ ફસાવવાની વ્યાજખોરોએ ધમકી આપી હતી. પીડિત રાકેશ શાહે 8 વેપારી વ્યાજખોર વિરુદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે વ્યાજખોરો સામે કાર્યવાહી હાથ ધરી છે.