અમદાવાદ : ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શને આવતા ભક્તો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં સીધા નિજ મંદિર પહોંચવા માટે 2 લિફ્ટ બનાવવામાં આવશે. છાસિયા તળાવથી મંદિર પરિસર સુધીની લિફ્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂપિયા 20 કરોડ ના ખર્ચે બે લિફ્ટ બનાવવામાં આવશે. 70 મીટરની ઊંચાઈ ધરાવતી હાઇસ્પીડ લિફ્ટમાં 20 વ્યક્તિની કેપેસિટી રહેશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ પાવાગઢ ખાતે બનાવવામાં આવતી લિફ્ટમાં દર્શને આવતા દિવ્યાંગો અને સિનિયર સિટીઝનોને પ્રાથમિકતા આપવામાં આવશે. યાત્રાળુઓને હવે નિજ મંદિર સુધી પહોંચવા માટે પગથિયાં નહિ ચઢવા પડે. આ અગાઉ રોપ-વેમાંથી ઉતર્યા બાદ પણ 450 જેટલા પગથિયાં ચડવા પડતા હતા. લિફ્ટનું કામ અમદાવાદની ખાનગી એજન્સીને કામ આપવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર સહિત મંદિરના ટ્રસ્ટીગણના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.