અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા પક્ષીઓ બચાવવા અનોખું અભિયાન હાથ ધરાયું છે. જેમાં સ્કૂલ બોર્ડના 12 હજાર વિદ્યાર્થીઓ દ્વારા ફેંકી દેવાયેલી, ઝાડ પર લટકતી પતંગની દોરીનો જથ્થો એકત્રિત કરાયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે બાળકો દ્વારા એકત્રિત કરાયેલી દોરીનો આ જથ્થો અંદાજે 150 કિલો જેટલો થઈ ગયો છે. હાલ સ્કૂલ બોર્ડ દ્વારા આ જથ્થો ગ્રીન એનર્જી ઉત્તપન્ન કરવા માટે ખાનગી સંસ્થાને આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ઉત્તરાયણના આ તહેવાર બાદ પણ પતંગ રસિયાઓ દ્વારા ઠેર-ઠેર ફેંકી દેવાયેલા દોરીના ગુંચડા, ઝાડ પર લટકતી પતંગ સાથેની દોરીઓના કારણે પણ પક્ષી ઘાયલ થતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓના 12 હજારથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પક્ષી બચાવો જીવદયા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે 150 કિલો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો છે.
આ અભિયાન સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલના સુચન અનુસાર હાથ ધરવામાં આવ્યું હતું. 150 કિલો એકત્રિત કરવામાં આવેલી દોરીનો જથ્થો પાપા નામની સંસ્થાને આપવામાં આવ્યો છે. પર્સનલ આસિસ્ટન્સ પર્સનલ એટેન્શન જેને ટૂંકમાં (PAPA) નામ આપવામાં આવ્યું છે. પાપા સંસ્થાના ડો. સિદ્ધાર્થ ઠાકર આ પ્રકારની પર્યાવરણની પ્રવૃતિઓ કરે છે.
મહત્વનું છે કે, જો આ દોરીનો જથ્થો બાળી નાખવામાં આવે તો પ્રદૂષણ થાય છે. જેથી પ્રદૂષણ ના થાય માટે તેનો ઈકોફ્રેન્ડલી રીતે નાશ કરવો પડે. જે માટે આ એક પ્રાઈવેટ કંપનીને આપીએ છીએ. આ કંપની તેને ગ્રીન ઈલેક્ટ્રીસિટીમાં કન્વર્ટ કરે છે. આ કંપની જુદા-જુદા પ્લાન્ટમાં પ્રોસેસ માટે લઈ જાય છે અને ગ્રીન ઈલેક્ટ્રી સીટીમાં કન્વર્ટ કરે છે.