અમદાવાદ : અમદાવાદના નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલને આજે લોકોએ જાહેરમાં માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.તેઓ કૃષ્ણનગરમાં ટીપી સ્કીમના અમલીકરણ બાબતે ગયા ત્યારે લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા હતાં અને તેમને માર માર્યો હતો. બળદેવ પટેલને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
અમદાવાદના નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલ ટીપી સ્કીમના અમલીકરણ બાબતે લોકો સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા, પરંતુ અહીં ઉલ્ટું 5 થી વધુ લોકોનું ટોળું ઘેરી વળ્યું હતું અને જાહેરમાં જ તેઓને માર માર્યો હતો. આ ઘટનામાં લોકોના ઘર રોડની કપાતમાં જતાં હોવાથી પોતાનો ગુસ્સો કોર્પોરેટર પર ઠાલવ્યો હોવાની લોકચર્ચા ચાલી રહી છે.
આ ઘટનાની જાણ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુ પટેલ હોસ્પિટલ દોડી ગયા હતા. તેમણે બળદેવ પટેલ સાથે વાતચીત કરીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા.