અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ લોદરબાર બાદ વધુ એક નવતર પ્રયોગ કર્યો છે. અમદાવાદ શહેરના પોલીસ દવારા વ્યાજખોરો સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ પેટી મૂકવામાં આવી છે. સિનિયર પોલીસ અધિકારીઓ અઠવાડિયામાં બે વખત આ પેટી ખોલી તપાસ કર્યા બાદ વ્યાજખોરો સામે કાર્યવાહી કરશે. ઘણા લોકો વ્યાજખોરોના ડરે પોલીસને ફરિયાદ કરવા જતા નથી. તેમના માટે આ સુવિધા કરાઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનોમાં પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય વધે તે હેતુથી આ પ્રકારની ફરિયાદ પેટી મુકવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરુ કરાયો છે. આ ફરિયાદ પેટીમાં આવતી અરજીઓના નિકાલની જવાબદારી સિનિયર અધિકારીઓને સોંપાઈ છે. ફરિયાદમાં તથ્ય હશે તો પોલીસ તાત્કાલિક પગલાં લેશે.