અમદાવાદ : અમદાવાદના રિવરફ્રન્ટ પર આજે ડ્રગ્સનો સામે પોલીસની ઝુંબેશમાં હજારો લોકો નાઈટ મેરેથોનમાં જોડાયા હતા. હજારો લોકો પોતાના રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરથી સુભાષબ્રિજ તરફ ડોટ મૂકી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં 5, 10 અને 21 કિમિની મેરેથોન દોડમાં હજારોની સંખ્યામાં અમદાવાદીઓ કડકડતી ઠંડીમાં ઉલ્લાસભેર જોડાયા હતા.
હેલ્ધી અમદાવાદ માટે અમદાવાદીઓને એક નવું થ્રિલ અપાવવા માટે થ્રિલ એડિકટ હાફ મેરેથોન આજે અમદાવાદમાં યોજાઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ હાજર રહ્યા હતા. અલગ અલગ જગાએથી આવેલા દોડવીર પોતાના ઉત્સાહથી સમગ્ર વાતાવરણમાં ઉર્જા ફેલાવી હતી.
મેરેથોનના મંચ પરથી સંબોધન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત આ મેરેથોનમાં દોડવીરોના ઉત્સાહને કારણે ડ્રગ્સ સામેની લડાઈ માટે અમારો ઉત્સાહ વધી ગયો છે. તેમણે આહવાન કર્યું કે, આપણે ડ્રગ્સ નહિ પણ સ્પોર્ટ્સનું વલણ અપનાવીએ. ડ્રગ્સ સામેની લડાઈમાં આપણે એક થઈને લડવાનું છે. હાફ મેરેથોનના ભવ્ય આયોજન બદલ તેમણે અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.
હાફ નાઈટ મેરેથોનમાં હજારો દોડવીરોને જોમ ચડાવવા માટે કિંજલ દવે, ભૂમિ ત્રિવેદી, યશ સોની સહિત મનોરંજન જગતના કલાકારોએ પર્ફોમન્સ અને હાજરી દ્વારા ઉપસ્થિત લોકોમાં જુસ્સો ભરી દીધો હતો.