અમદાવાદ : અમદાવાદ મ્યુ કોર્પોરેશને શહેરમાંગેરકાયદે પ્રેકટિસ કરતા ‘મુન્નાભાઈઓ’ પર સપાટો બોલાવ્યો છે.લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરો ઝડપાતા આરોગ્યતંત્ર દોડતું થયું છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ડોક્ટરો સામે કાર્યવાહી કરી છે.ચેકિંગ સમયે અત્યારસુધીમાં લગભગ 10 ક્લિનિક સીલ કરાયા હતા. જાણીતા ડોક્ટરોના નામ લગાવીને બોગસ પ્રેક્ટિસ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. બોગસ તબીબો હોમિયોપેથીના સર્ટિફિકેટ ઉપર એલોપેથીની પ્રેક્ટિસ કરતા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના લાંભા વિસ્તારમાં AMCના આરોગ્ય વિભાગે બોગસ ડિગ્રીથી દવાખાનું ચલાવતાં ડોક્ટરોની ક્લિનીક પર દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમો લાંભા વિસ્તારમાં આવેલ જનકલ્યાણ હોસ્પિટલ, સૌમીન ક્લિનિક, શ્રી ગુરુકૃપા ક્લિનિક, શિવાય ક્લિનિક, રાજ ક્લિનિક, આયુષ્માન ક્લિનિક પર ત્રાટકી હતી. તપાસ બાદ આ તમામ ક્લિનીકો સીલ કરવાની કાર્યવાહી કરાઈ હતી.
અમદાવાદ મ્યુ કોર્પોરેશનની કાર્યવાહીના પગલે મુન્નાભાઈઓમાં ફફડાટ ફેલાયો હતો. નોંધનીય છે કે આ રીતે ગેરકાયેદ પ્રેક્ટિસ કરતા તબીબો દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરે છે અને તેના કારણે ઘણી વાર દવા લેવા જતા દર્દીઓનો જીવ પણ જોખમાતો હોય છે.આગામી સમયમાં ધારા ધોરણો વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિસ કરતા દવાખાનાઓ સીલ કરાશે.