અમદાવાદ : મેટ્રો રેલ કોર્પોરેશને મેટ્રો મલ્ટિ મોડલ ઇન્ટિગ્રેશનના ભાગરૂપે BRTSથી સીધું મેટ્રો સ્ટેશનને જોડવાની કામગીરી શરૂ કરી છે. આ યોજનામાં સૌપ્રથમ અખબારનગર બીઆરટીએસ સ્ટેન્ડનો સમાવેશ કરાયો છે. અહીંથી અવરજવર કરતાં પેસેન્જર સીધા વાડજ મેટ્રો સ્ટેશન પહોંચી શકશે.
એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં સૌ પ્રથમ અખબારનગર BRTS બસસ્ટેન્ડ બહાર લિફ્ટ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ લિફ્ટ સાથે કનેક્ટેડ 96 મીટરના વોકવે પર થઈ સીધા જ વાડજ મેટ્રો સ્ટેશન નીકળી જવાશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અખબારનગર BRTS સ્ટેન્ડથી અવરજવર કરતાં લોકોએ ટ્રાફિકની ઝંઝટમાં પડવાનો વારો નહીં આવે.હાલ 60 ટકા કામગીરી પૂરી થઈ છે. બીઆરટીએસ અને મેટ્રો સ્ટેશનને જોડતો 96 મીટર લાંબો એલિવેટેડ વોક-વે એક મહિનામાં શરૂ થઈ જશે.
મેટ્રોના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી સમયમાં અમદાવાદના જે BRTS સ્ટેશન મેટ્રો સાથે કનેક્ટ થાય છે ત્યાં જરૂરિયાત મુજબ આ પ્રકારે લિફ્ટ અને વોકવેની સુવિધા કરવામાં આવશે. આ સુવિધા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેને કારણે BRTS સ્ટેન્ડથી અવરજવર કરતાં લોકોએ ટ્રાફિકની ઝંઝટમાં પડવાનો વારો નહીં આવે અને નજીકની મેટ્રો સ્ટેશને જવા માટે સરળતા રહેશે.