અમદાવાદ : અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા કાંકરિયા લેકફ્રન્ટ પર મુલાકાતીઓ માટે અનેક કાયમી આકર્ષણ ઊભાં કરાયાં છે. આ ઉપરાંત દર વર્ષે તા. 25 થી 31 ડિસેમ્બર સુધી સાત દિવસ ઊજવાતો કાર્નિવલ પણ કાંકરિયા લેકફ્રન્ટની ખુશબૂમાં વૃદ્ધિ કરતો આવ્યો છે. હવે અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા દરરોજ હજારોની સંખ્યામાં આવતા મુલાકાતીઓની સુવિધામાં ઉમેરો કરવા તેના ગેટ નંબર-૨ પાસે ATM ઊભું કરવા માટે કવાયત આરંભી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા મુલાકાતીઓની સુવિધામાં ઉમેરો કરવા PPP ધોરણે કાંકરિયા લેકફ્રન્ટના ગેટ નંબર-૨ પાસે ATM ઊભું કરવાની દિશામાં હિલચાલ આરંભાઈ છે.ATM માટે જે તે બેન્કને ૮૦ સ્ક્વેર ફૂટની જગ્યા પૂરી પડાશે, જ્યારે તેની ડિઝાઇન જે તે બેન્કે બનાવીને તેની મંજૂરી તંત્ર પાસેથી મેળવવી પડશે. ત્યાર બાદ જ ATMનું ઇન્સ્ટોલેશન કરી શકાશે.
આમ્રપાલી ફનલેન્ડમાં પ્રવેશવાના વિસ્તારમાં તંત્ર ATM ઊભું કરનાર હોઈ તે માટેના ઇન્સ્ટોલેશન, ઓપરેશન અને મેન્ટેનન્સનાં ટેન્ડર સત્તાવાળાઓ દ્વારા પ્રસિદ્ધ કરાયાં છે.અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા દ્વારા ATM માટે મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા શરૂઆતમાં પાંચ વર્ષ માટે લાઇસન્સ અપાશે, જોકે તેમાં વધુ બે વર્ષની મુદત વધી શકે છે. કોઈ પણ શિડ્યૂલ બેન્ક, કો-ઓપરેટિવ બેન્ક, ફેડરલ બેન્ક, રાષ્ટ્રીયકૃત બેન્ક અથવા ખાનગી બેન્ક ATM માટે ટેન્ડર ભરી શકશે.