અમદાવાદ : અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના ટ્રાફિકથી અસરગ્રસ્ત રહેતા વિસ્તારોમાં વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે એક એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન મારફતે ટ્રાફિક પોલીસકર્મી પોતાની ફરજના સ્થળના તમામ અપડેટ પબ્લિક સુધી પહોંચાડી શકે તે હેતુસર બનાવવામાં આવી છે. “રોડ ઇઝ ” નામની એપ્લિકેશનથી પોલીસ તમામ અપડેટ શહેરીજનો સુધી પહોંચાડવા google મેપ થકી મદદરૂપ બનશે.
શહેરના મહત્તમ ટ્રાફિક ગતિવિધિવાળા વિસ્તારોમાં થતી ટ્રાફિકની સમસ્યાના ઉકેલ લાવવા માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ‘રોડ ઇસ’ (Road ease) નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક પોલીસ રિયલ ટાઇમ અપડેટ google મેપ પર બતાવશે. જેમ કે, કોઈ સ્થળ પર અકસ્માત થયેલો હોય, ખોદકામ ચાલુ હોય, વન-વે હોય કોઈ બ્રિજનું કામકાજ ચાલી રહ્યું હોય અથવા તો અન્ય કોઈ કારણોસર ટ્રાફિકજામ થયેલ હોય તો ટ્રાફિક પોલીસ જે તે સ્થળ પર પહોંચીને તે જગ્યાના લેટ લોંગ ફોટા અથવા તો વોઇસ મેસેજ ‘રોડ ઇસ’ નામની આ એપ્લિકેશન પર અપલોડ કરશે.
લેપ્ટોન નામની કંપનીના સહયોગથી અમદાવાદ ટ્રાફિક પોલીસે રોડ ઇઝ એપ્લિકેશન બનાવી છે. લેપ્ટોન કંપનીને ગૂગલ મેપ સાથે ટાઈઅપ છે. રોડ ઇઝ એપ્લિકેશન દ્વારા ગૂગલ મેપને રિયલ ટાઈમ અને લાઈવ વિગત મોકલવામાં આવશે. ગુગલ મેપ આ વિગત સતત અપડેટ કરતું રહેશે જેના કારણે વાહન ચાલકોને ફાયદો થશે. રોડ ઇઝ એપ્લિકેશનમાં ફોટા સાથે અપડેટ આપવાનું કામ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે.