અમદાવાદ : અમદાવાદના શહેરીજનો ઘરે બેઠા પ્રોપર્ટી ટેક્સના બીલો ડાઉનલોડ કરી શકે અને તુરંત જ ટેક્સ ઓનલાઇન ભરી શકે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા WHATSAPP CHAT BOTની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રોપર્ટી ટેક્ષ બીલ ડાઉનલોડ કરી અને ઓનલાઇન પેમન્ટ કરી શકે છે. આ સુવિધા કોર્પોરેશન દ્વારા 24 કલાક ઉપલબ્ધ રહેશે.
રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, અમદાવાદના નાગરિકોની સગવડતા ખાતર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. હવે WHATSAPP CHAT BOTની સુવિધા શરૂ કરાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CCRS વોટ્સએપ નંબર 75678 55303 ઉપર ચેટ દ્વારા પ્રોપર્ટી ટેક્સ વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેમાં કોર્પોરેશનના વોટ્સએપ નંબર પર ટેક્સધારક તેઓના પ્રોપર્ટી ટેક્સના બીલ ડાઉનલોડ કરી ઓનલાઇન પેમેન્ટ કરી શકે તેવી સર્વિસ ચાલુ કરવામાં આવી છે. આ સર્વિસ મેળવવા કોઇ પણ નાગરિક તમામ કરદાતાઓને પ્રોપર્ટી ટેક્સના ટેનામેન્ટ નંબરની સાથે તેઓના મોબાઇલ નંબર LINK કરવા જણાવવામાં આવે છે. જેથી તેઓ AMCની તમામ સેવાઓ તેઓના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેળવી શકશે.
હાલમાં શહરણીજનો માટે પ્રોપર્ટી ટેક્સની તમામ અરજીઓ ઓનલાઇન ઇનવર્ડ થાય છે તેમજ નિકાલ થાય છે. અરજી નિકાલ થયા બાદ અરજદારના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર તે અંગે મેસેજ મળે છે. આ પ્રમાણે ટેક્સધારકોને વધુ એક સગવડ પુરી પાડી તેઓના પ્રોપર્ટી ટેકસનું પેમેન્ટ ઘરે બેઠા મોબાઇલ મારફતે થાય તેવી સગવડ આપવાથી કરદાતાઓને કોર્પોરેશન ઓફિસ કે સિવિક સેન્ટર આવવાની જરૂરીયાત રહેશે નહીં. તેના કારણે પ્રોપર્ટી ટેક્સની રિકવરીમાં પણ વધારો થઇ શકશે. ટેક્સ ડિપાર્ટમેન્ટ 100 ટકા ડિજિટલાઇઝેશન તરફ આગળ વધ્યું છે.