અમદાવાદ : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભાજપ સરકાર વિરૂદ્ધ આ પોસ્ટર લાગ્યા છે. નારણપુરા વિસ્તારમાં રોડ કપાતની નોટિસ બાદ પોસ્ટર વોર શરૂ થયું છે. રોડ કપાતની નોટિસ બાદ સ્થાનિકોએ સોસાયટી બહાર ભાજપ સરકાર વિરૂદ્ધ પોસ્ટર લગાવી રોષ ઠાલવ્યો છે.
નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડ કપાતને લઈ ફરી એકવાર સ્થાનિક લોકોએ ભાજપ તારી ચાલ નીરાળી, વોટ મળ્યા બાદ પ્રજા બિચારી. વચન આપી ભાજપ ફરે, પ્રજાનો કરે વિશ્વાસઘાત…વગેરે લખાણો વાળા બેનરો લગાવી ભાજપ સામે પોસ્ટર વોર શરૂ કર્યું છે.વિધાનસભાની ચૂંટણી પહેલા રોડ કપાત નહીં આવે તેવા વચન આપ્યા બાદ ભાજપના નેતાઓ ફરી ગયા અને 16 ફેબ્રુઆરીએ રોડ કપાત થશે, તેવી માહિતી સ્થાનિક લોકોને મળતા તેઓએ બેનરો લગાવી વિરોધ કર્યો છે.
તો બીજી તરફ નારણપુરાના ભાજપના ધારાસભ્ય જીતુ ભગતે સ્થાનિકોના આક્રોશ મુદ્દે જવાબ આપતા જણાવ્યું હતું કે તેઓ સ્થાનિકો સાથે જ છે હજુ પણ અટકાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.ભાજપની સરકાર પ્રજાની સાથે જ છે. આ ઉપરાંત તેમને આક્ષેપ લગાવ્યો કે ભાજપના હિતશત્રુઓને કારણે સ્થાનિકો આ પ્રકારનું કાર્ય કરી રહ્યા છે.