ગાંધીનગર : ગુજરાતમાં પેપરલીકની ઘટનાઓને રોકવા માટે સરકાર હવે કડક કાયદો લાવવા જઈ રહી છે. આગામી વિધાનસભાના બજેટ સત્રમાં સરકાર આ કાયદાનું બિલ રજૂ કરી શકે છે. આ બિલમાં પરીક્ષામા ચોરી કરનારને ત્રણ વર્ષની સજા અને એક લાખનો દંડ તથા પેપર ફોડનારને ઓછામાં ઓછો એક કરોડ રૂપિયાનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ રાખવામાં આવી છે. આ બીલ ધારાસભ્યોને આપી દેવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ વિધેયકની કોપીમાં દર્શાવવામાં આવેલી સજાની જોગવાઇ પર નજર કરીએ, તો દોષી પરીક્ષાર્થીને 2 વર્ષ પરીક્ષામાંથી બાકાત રાખવામાં આવશે, તો ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજાની પણ જોગવાઇ છે.આ સીવાય ષડયંત્ર રચનારને ઓછામાં ઓછી 10 લાખ અને વધુમાં વધુ 1 કરોડના દંડની જોગવાઇ છે,ગેરરીતિ કરનાર પરીક્ષાર્થીને ત્રણ વર્ષની કેદ અને એક લાખના દંડની જોગવાઈ છે.
એટલુ જ નહીં,દોષિતોની મિલ્કતો જપ્ત કરીને દંડની રકમ વસૂલવી, સંસ્થા કે વિભાગની સંડોવણી સામે આવશે તો પ્રતિબંધ અને ભરતી પરીક્ષાને લગતા તમામ ગુના બિનજામીનપાત્ર ગણાશે.સાથે જ પેપર કૌભાંડની તપાસ હવે DySP કક્ષાના અધિકારીઓ જ કરશે.