અમદાવાદ : આવતીકાલે તા.17મી શનિવારના રોજ રાજયભરમાં શિવમંદિરોમાં મહાશિવરાત્રિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. દરેક મંદિરમાં હર હર મહાદેવ…જય ભોલેના નાદથી મંદિરો ગુંજી ઉઠશે. અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા કામેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવાધિદેવ મહાદેવની અતિપ્રિય એવી મહા શિવરાત્રિની ભારે ભકિતભાવ અને આસ્થા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. શહેરના અંકુર વિસ્તારમાં આવેલા પૌરાણિક મંદિર એવા કામેશ્વર મહાદેવના મંદિરમાં પ્રસાદી રૂપે પક્ષીઓને પાણી પીવા માટે પાણીના કુંડાનું પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવશે.
મહાશિવરાત્રીના પર્વને લઈને નારણપુરાના અંકુર ચાર રસ્તા પાસે આવેલ કામેશ્વર મહાદેવ મંદિરે સવા લાખ બીલીપત્રનો અભિષેક કરવામાં આવ્યો છે. કામેશ્વર મંદિર ખાતે 4 પ્રહરની આરતી પણ કરવામાં આવશે. તેમજ મહાદેવને કાલના દિવસે મંદિર ખાતે ભસ્મ આરતી પણ કરવામાં આવશે. મંદિર ખાતે આવતા શિવભક્તો માટે અનોખી પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળામાં આકરી ગરમીને લઈને મંદિર પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં દરેક ભક્તોને પક્ષીના પાણી પીવાના કુંડા આપવામાં આવશે.