અમદાવાદ : ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવી છે. આ બંને ટીમ વચ્ચે હાલ 4 ટેસ્ટની શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની ત્રીજી ટેસ્ટ 1 માર્ચે ઇન્દોર ખાતે તો ચોથી ટેસ્ટ 9 માર્ચે અમદાવાદમાં રમાશે. શ્રેણીના અંતિમ ટેસ્ટમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બાનિસ અને ભારતના PM નરેન્દ્ર મોદી હાજરી આપવાની પ્રબળ શક્યતા છે. આ મેચ માટે વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનિસને પણ આમંત્રણ આપ્યુ છે.
ભારતે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં છ વિકેટથી વિજય મેળવતા ચાર ટેસ્ટની શ્રેણીમાં તો 2-0થી અજેય સરસાઈ હાંસલ કરી જ લીધી છે. તેની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ મળીને ઓસ્ટ્રેલિયા સામે 100મો વિજય નોંધાવ્યો હતો. ભારતીય ટીમે આ સાથે વિશ્વ ક્રિકેટમાં તમામ ફોર્મેટમાં કુલ મળીને આ ચોથા દેશ સામે 100 મેચ જીતવાની સિદ્ધિ મેળવી હતી. ભારતે ઓસ્ટ્રેલિયા સામે 273મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.