ગાંધીનગર : અમદાવાદની યુવતી PSI બનવા ખોટા ડોક્યુમેન્ટનાં આધારે પોલીસ એકેડમીમાં ચાલતી PSIની ટ્રેનિંગ માટે ગાંધીનગર પહોંચી હતી. યુવતીએ ગેટ પર તૈનાત કર્મચારીને પત્ર સાથેના તમામ દસ્તાવેજો દેખાડ્યા હતા અને કહ્યું કે તે ટ્રેનિંગ માટે આવી છે.લિસ્ટમાં નામ ન હોવાથી અને હસ્ત લિખિત લેટરના કારણે શંકા જતાં ભાંડો ફૂટ્યો હતો. આ મામલે યુવતી સામે ફરિયાદ નોંધાઈ છે.
તાજેતરમાં લેવાયેલી પોલીસ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોની કરાઈ એકેડમી ખાતે ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ પોલીસ બનવા માંગતી યુવતી પિતાનું સપનું પૂરું કરવા પોલીસમાં જોડાવા માંગતી હતી. આ માટે તેણે PSIની ભરતીની પરીક્ષા પણ આપી હતી, પરંતુ તે પાસ થઈ શકી નહોતી. યુવતી ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કરી પત્ર હાથથી લખી ઇન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયની ખોટી સહી ટ્રેનિંગ માટે કરી પહોંચી હતી. લિસ્ટમાં નામ ન હોવાથી અને હસ્ત લિખિત લેટરના કારણે શંકા જતાં ભાંડો ફૂટ્યો હતો.
આ મામલે પોલીસે યુવતી પર નકલી દસ્તાવેજો તૈયાર કરવા અને ઈન્ચાર્જ ડીજીપીની નકલી સહી કરવાનો કેસ નોંધ્યો છે. યુવતી વિરુદ્ધ આઈપીસીની કલમ 465, 466, 471 અને 511 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.