અમદાવાદ : અમદાવાદમાં વિશ્વના સૌથી ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયુ છે. એક રિપોર્ટ મુજબ 1500 કરોડના ખર્ચે તૈયાર થનાર આ મંદિર 504 ફૂટ ઊંચું અને 400 ફૂટ લાંબુ હશે. મંદિરમાં 51 ફૂટની ઊંચાઈએ માતાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે જાસપુર ખાતે બની રહેલા મા ઉમિયાના મંદિરના ગર્ભગૃહનો આધાર તૈયાર થઈ ગયો છે. આપને જણાવી દઈએ કે, 2026 માં મંદિરમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જે બાદ તેને દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે.
ઉમિયાધામ સંસ્થાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મંદિરમાં 1440 સ્તંભો સ્થાપિત કરવામાં આવશે.જે પણ એક રેકોર્ડ હશે.આ મંદિર અનેક રીતે ખાસ હશે.તેની ડિઝાઇન જર્મન અને ભારતીય આર્કિટેક્ટ્સ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવી છે. અગાઉ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમામાં 800 સ્તંભોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ મંદિરમાં 300 ફૂટની ઉંચાઈ પર વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવશે, જ્યાંથી આખું અમદાવાદ જોઈ શકાશે. ઉમિયાધામ સંસ્થાના જણાવ્યા અનુસાર મંદિરનું કામ પૂર્ણ થયા બાદ જર્મનીની ટીમ અહીં આવશે અને મંદિર કેટલું મજબૂત બન્યું છે તેની તપાસ કરશે. આ માટે ટેસ્ટિંગ કરવામાં આવશે. જે બાદ જ મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.જે બાદ તેને દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે.