અમદાવાદ : અમદાવાદમાં ટ્રાવેલ્સ સંચાલકોની શહેર ટ્રાફિક ઇસ્ટના ડીસીપી સફીન હસન સાથે બેઠક મળી હતી. આ બેઠક પછી ટ્રાવેલ્સ સંચાલકોએ 28 ફેબ્રુઆરીના રોજ જાહેર કરેલ પ્રતિકાત્મક વિરોધ પણ પરત ખેંચ્યો છે.
અમદાવાદ શાહીબાગ ખાતે આવેલ પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ટ્રાફિક પોલીસ દ્વારા તેમના પ્રશ્નો અને રજૂઆતને લઈ હકારાત્મક વલણ દાખવવામાં આવ્યો હોવાનો દાવો ટ્રાવેલ્સ સંચાલકો કરી રહ્યા છે. જેથી હવે તેઓ મુસાફરોને હાલાકી ન પડે તે માટે નિશ્ચિત કરાયેલ સમય મર્યાદા માટે અમદાવાદ શહેરમાં પોતાની ટ્રાવેલ્સ લઈ જશે. અગાઉ ટ્રાવેલ્સ સંચાલકોએ જાહેરાત કરી હતી કે 28મી ફેબ્રુઆરીના રોજ તેઓ પોતાની બસ અમદાવાદ એસપી રિંગ રોડ સુધી જ સીમિત રાખશે.
ટ્રાવેલ્સ સંચાલકોની માંગ છે કે દિવસ દરમિયાન પણ તેમની ટ્રાવેલ્સને શહેરની અંદર પ્રવેશ આપવામાં આવે. હાલ રાત્રે 11થી સવારે 7 વાગ્યા સુધી જ ટ્રાવેલ્સને શહેરમાં પ્રવેશ આપવામાં આવે છે. અગાઉ સુરતમાં ટ્રાવેલ્સને શહેરની અંદર પ્રવેશવાને લઈને વિવાદ સર્જાયો હતો. જે બાદ અમદાવાદમાં પણ આ મુદ્દો ઉભો થયો હતો. જે સંદર્ભે આજે ટ્રાફિક પોલીસ સાથે અમદાવાદ ટ્રાવેલ્સ ડેઇલી પેસેન્જર ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રતિનિધિઓની બેઠક મળી હતી.