અમદાવાદ : અમદાવાદના વાસણા વિસ્તારમાં એપીએમસી માર્કેટ પાસે બાઇક પર ઊભા રહેલા યુવક પાસે બે શખ્સે આવીને છરી બતાવીને રૂ.51 હજારની લૂંટ કરી હોવાની ફરિયાદ વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વાસણાના રાધાકૃષ્ણ મંદિર સામે રહેતા બળદેવ ભરવાડ મકાન બાંધકામના કોન્ટ્રાક્ટર છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શનિવારે વાસણા બસ સ્ટેન્ડ પાસે નાકા પરથી મકાન બાંધકામનો સામાન લેવા ગયા હતા અને એપીએમસી માર્કેટ પાસેના સેલ પેટ્રોલ પંપ પાસે બાઇક ઊભું રાખ્યું હતું તે વખતે બે શખ્સ બાઇક પર ત્યાં આવ્યા હતા અને ‘યહાં બબાલ હુઈથી કહી’ બળદેવભાઈને પકડી લીધા હતા.
બાદમાં તેમને છરી બતાવીને ‘તેરે પાસ જો ભી પૈસા હૈ વો નિકાલ કે હમે દે દો’ કહી ખિસ્સામાં મૂકેલા 51 હજાર ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ બળદેવભાઈએ તેમના દીકરાને ફોન કરી બોલાવ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ અંગે પોલીસે લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.