ગાંધીનગર : ગુજરાતમાં માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમીની ઈફેક્ટ આવી ગઈ છે. ગુજરાતમાં આગામી બે દિવસ આકરી ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. તો આગામી દિવસોમાં 37 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. આવામાં રાજ્યની પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવાની માંગ ઉઠી છે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા સરકારને પત્ર લખી શાળાનો સમય બદલવા માંગ કરાઈ છે.
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે પત્રમાં લખ્યું કે, ચાલુ વર્ષે ગરમીનું પ્રમાણ ખૂબ જ છે અને હાલ ગરમીનો પારો એકદમ વધી રહ્યો છે. સવારે 11.00 કલાકથી જ ગરમીનું પ્રમાણ એકદમ વધે છે અને વિદ્યાર્થીઓ લૂ લાગવાથી બીમાર પડતા હોય છે. આવા અનેક કિસ્સા જોવા મળે છે. ગરમીના કારણે વિદ્યાર્થીઓની હાજરીમાં શૈક્ષણિક કાર્યમાં પણ તેની અસર જોવા મળે છે. ચાલુ વર્ષે પણ વધારે ગરમી અને પાણીની સમસ્યાના કારણે રાજ્યની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની વિનંતી છે.
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતે પત્ર લખી રાજ્યની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવાની માંગ કરી છે. સવારે 11 વાગ્યાથી ગરમી વધતી હોવાથી વિદ્યાથીઓને લૂ લાગવાની સંભાવના છે. જેનાથી બાળકો બીમાર પડી શકે છે. કેટલાક જિલ્લાઓમાં પાણીના સ્તર પણ નીચા જવાથી પાણી સમસ્યા સર્જાઈ શકે છે, તેથી શાળાનો સમય સવારનો કરવામાં આવે એવી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંગ છે.