અમદાવાદ : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક બાદ અમદાવાદ સહિત રાજ્યભરની 17 જેલોમાં સામુહિક દરોડા પાડવામાં આવ્યા છે. નોંધનીય છે કે ડીજી ઓફિસ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગુપ્ત બેઠક યોજાઈ હતી. જેમાં ડીજીપી, એડીજીપી, આઈબી, સીઆઈડી એડીજીપી સહિતના અધિકારીઓ હાજર છે. આ બેઠક બાદ જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિ ઉપર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને રાજયભરની જેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
જેમાં અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસકર્મીઓ બોડી કેમેરા સાથે પહોંચ્યા છે. જેમાં જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં હાલ 100 કરતા વધારે પોલીસ કર્મીઓ અને અધિકારીઓ જેલમાં સર્ચ ઓપરેશન માં જોડાયા છે. જેમાં 4 ડીસીપી 2 એસીપી અને પીએસઆઈ સહિત પોલીસ અધિકારીઓ સર્ચમા જોડાયા છે. ગૃહ રાજ્ય પ્રધાનની ઉચ્ચસ્તરીય બેઠક બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ત્રિનેત્રના માધ્યમથી દરોડાની કાર્યવાહી નિહાળી હતી.
રાજ્યભરની જેલોમાં પોલીસના ધાડેધાડા ઉમટી પડ્યા છે. સ્થાનિક પોલીસ, મહિલા પોલીસે ઉચ્ચ અધિકારીઓના નિરીક્ષણ હેઠળ સમગ્ર કાર્યવાહી હાથ ધરી. આ કાર્યવાહીથી કેટલાક ઉચ્ચ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસ પણ અજાણ હોવાની માહિતી મળી છે.તમામ પોલીસકર્મીઓને પહેલા પોલીસ કમિશનર ઓફિસ બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એકસાથે દરોડો પાડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ મોડી રાત સુધી સી.એમ ડેશબોર્ડ પરથી સમગ્ર રાજ્યની તમામ જેલની સરપ્રાઈઝ ચેકીંગ લાઈવ જોઈને, ગૃહમંત્રી અને રાજ્યના પોલીસ વડા સાથે ચર્ચા કરીને પળ પળની ખબરો પર નજર રાખી રહ્યા છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-ત્રિનેત્ર ખાતેથી તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહેલા ગૃહ રાજ્ય મંત્રી, રાજ્યના પોલીસ વડા, આઈબીના વડા અને સીઆઇડી ક્રાઇમના વડા અને ગૃહવિભાગના સચિવ પણ હાજર હતા.