અમદાવાદ : અમદાવાદના SG હાઈવેના ઇસ્કોનબ્રિજ પર આજે બપોરે એક સિનિયર સિટિઝને મોતની છલાંગ લગાવી હતી. નીચે પડતાંની સાથે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ટ્રાફિક સિગ્નલ ખૂલ્યા બાદ બ્રિજ નીચેથી ભરચક વાહનો પસાર થઈ રહ્યાં હતાં. આ સમયે જો આ સિનિયર સિટિઝન કોઈ વાહનચાલક પર પડ્યા હોત તો તેમને પણ ગંભીર ઇજા થઈ હોત. વૃદ્ધની મોતની છલાંગના સમગ્ર બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતે મોત નોંધીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા ક્રિષ્નાધામ ઔડાના મકાનમાં રહેતા અને રિક્ષા ચલાવતા માંગીલાલ ખટિક નામના વૃદ્ધ આજે રાબેતા મુજબ રિક્ષા લઈને ઘરેથી નીકળ્યા હતા, બપોરના સમયે તેઓ રિક્ષા લઈને ઈસ્કોન બ્રિજ પર પહોંચ્યા હતા અને ત્યાં બ્રિજ પર સાઈડમાં રિક્ષા ઉભી રાખી બાદમાં બ્રિજ ઉપર પડતું મૂક્યું હતું. ભરબપોરે માંગીલાલે બ્રિજ ઉપરથી કૂદકો મારતાં તેઓ નીચે પટકાયા હતા અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
આ બનાવની જાણ થતાં પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતાં માંગીલાલના સ્વજનો ત્યાં આવી પહોંચ્યા હતા. જેમણે પોલીસને જણાવ્યું હતું કે માંગીલાલ ઘણા સમયથી બીમાર હતા અને તેઓ આત્મહત્યા કરશે એવું જરા પણ લાગતું ન હતું. તેઓ રાબેતા મુજબ સવારે પોતાની રિક્ષા લઈને નીકળ્યા હતા અને તેમના આત્મહત્યા કરવાના સમાચાર ઘરે આવ્યા હતા.