અમદાવાદ : શહેરના ન્યુ રાણીપના આશ્રય-9 એપાર્ટમેન્ટમાં રહેતાં વીમા એજન્ટે ધમકી આપતા પાંચ વ્યાજખોરો સામે બુધવારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વીમા એજન્ટ કોરોના મહામારીમાં લોનના હપ્તા અને પુત્રીના લગ્ન માટે વ્યાજે રૂપિયા લઈને પરિવાર વિષચક્રમાં ફસાયો હતો. બીજી તરફ પૈસા ચુકવ્યા છતાં વધુ વ્યાજ માંગી માથાભારે શખ્સો ધમકી આપતા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ન્યુ રાણીપમાં રહેતાં અને જુદી જુદી કંપનીઓના ઈન્સ્યુરન્સ એજન્ટ તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પ્રશાંતભાઈ રામઅવતાર ધૂત (ઉં,51)એ અરવિંદભાઈ બાબુલાલ પ્રજાપતિ (આશ્રય-9, ન્યુ રાણીપ), રાજુભાઈ ઉર્ફ સંજીવ રાઠોડ (રાજનગર, નારોલ), રાકેશ નરેશભાઈ રાઠોડ (ગણપતિનગર, ન્યુ રાણીપ), લાલુસિંહ વિષ્ણુસિંહ રાજાવત (ચાણક્યપુરી, ઘાટલોડીયા) અને નરેન્દ્રભાઈ સુમેરભાઈ શર્મા (વર્ધમાનકૃપા ફ્લેટ, ઘાટલોડીયા) વિરૂધ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જે મુજબ ફરિયાદીએ બેંકમાંથી લોન લઈ પત્નીના નામે મકાન લીધું હતું.
કોરોના મહામારીમાં લોનના હપ્તા ભરાતા ના હોવાથી ફરિયાદીએ 2021માં વ્યાજે રૂપિયા લેવાની શરૂઆત કરી હતી. મકાનના હપ્તાનું વ્યાજ માંડ ભરી રહેલા ફરિયાદીની પુત્રીના 2022માં લગ્ન હતા. આ લગ્નના ખર્ચ માટે વધુ પૈસાની જરૂર પડતા ફરિયાદીએ ફરી વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજે લીધેલા રૂપિયાનું વ્યાજ લેણદારોને ચુકવવાનું ચાલુ હતુ. જેમાં અમુક લોકોને પેૈસા ચુકવી પણ દીધા હતા. તેમ છતાં માથાભારે શખ્સો વધુ રકમની માંગણી કરી ધાકધમકી આપતા હતા.
આ દરમિયાન બુધવારે ફરિયાદીના ઘરે અરવિંદભાઈ પ્રજાપતિ નામના શખ્સે પહોંચી પૈસા માટે ધાકધમકી આપી હતી. બનાવને પગલે ફરિયાદીની પત્નીએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. સાબરમતી પોલીસે બનાવ અંગે પાંચ વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.