અમદાવાદ : આજકાલ લોકો શોર્ટકટ અપનાવી વિવિધ પ્રકારના ગેરકાયદેસર ધંધા કરતા હોય છે. જેમા ક્રિકેટ સટ્ટો, શેર બજાર ડબ્બા, લોટરી, ઓનલાઈન ગેમ્સ કે અન્ય કોઈ રીતે જલ્દીથી કરોડપતિ બનવાનો માર્ગ અપનાવે છે.આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરના એસ.જી હાઈવે પરથી પ્રકાશમાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ક્રાઈમ બ્રાન્ચને અંગત બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચ ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં એસજી હાઈવે પર એક ઓફિસમાં બિનઅધિકૃત રીતે કોઈ પણ જાતના લાઈસન્સ વગર શેર બજારનો ધંધો કરતા માલુમ પડ્યુ હતું. જેથી પોલીસ 6 આરોપીઓની ધરપકડ કરી હતી અને 18 મોબાઈલ તેમજ 29 હજાર 810 રોકડા તેમજ અન્ય સાધનો સાથે કુલ 1 લાખ 58 હજાર 310નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને અગાઉથી મળેલ અંગત બાતમીના આધારે એસજી હાઈવે પર આવેલ મનીપ્લાન્ટ હબ નામના કોમ્પલેક્ષમાં દરોડા પાડતાં 6 આરોપીની ધરપકડ કરી હતી. જેમા નીતીન પટેલ, મૌલિક પટેલ, મનીષ રાજપુત, અજય ચોરસીયા, વિક્રમ બારોટ અને ભરત ભટ્ટને ઝડપી લીધા હતા જ્યારે હિમાંશુ અને ભદ્રેશ પટેલ વોન્ટેડ છે.
પોલીસ પુછપરછ કરતા આ લોકો પાસેથી સ્ટોક એક્ષચેન્જમાંથી કોઈ પણ પ્રકારના લાઈસન્સ ન લીધા હોવાનું જાણવા મળ્યું હતુ. આ આરોપીઓ ગેરકાયદેસર આ રીતે શેરબજારનું કામ કરી ભારત સરકારને આર્થિક નુકસાન પહોચાડતા હતા. જેથી સેબીના નિયમોનું ઉલ્લઘન કરી ગુનો કર્યો હોવાથી પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.