અમદાવાદ: સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટને તરતી મુકવામાં આવી છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ આગામી એક મહિના સુધી અલગ-અલગ પરીક્ષણ કરવામાં આવશે. ત્યાર બાદ તમામ પરીક્ષણમાંથી પસાર થયા બાદ PM મોદી ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરે તેવી તૈયારી છે. નદીના વિસ્તારનો ઉપયોગ કરવા માટે ખાનગી એજન્સી વાર્ષિક 45 લાખ રુપિયા AMCને ચૂકવશે. જ્યારે આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટને બે ક્રેઈનની મદદથી પાણીમાં ઉતારવામાં આવી હતી, ત્યારે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ દ્વારા પૂજા કરવામાં આવી હતી.
ફલોટિંગ રેસ્ટોરન્ટમાં એક સાથે 125થી 150 લોકો બેસી શકશે. PPP મોડેલ ઉપર SRFDL દ્વારા આ પ્રોજેક્ટની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને વર્ક ઓર્ડર અપાયો હતો. દેશમાં પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે જે નદીમાં કાર્યરત હશે. લાઇફ સેવિંગ કિટ, સીસીટીવી કેમેરા અને લાઇટીંગ તેમજ ડીજે સાઉન્ડ સાથે રહેશે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટે ઉદ્યાનો અને બગીચાઓ, રિવરસાઇડ પ્રોમીનાડ, ફૂડ કોર્ટ, બાયોડાયવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટર, વોકવે, ઘાટ વગેરેના સમન્વયથી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવી છે. જે સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે. આ પ્રોજેક્ટે એ લોકોને રિવરફ્રન્ટ પર આવવા અને મનોરંજન માટે એક વધુ નજરાણું ઉમેર્યું છે.
આ રિવર ક્રૂઝ/ફ્લોટિંગ રેસ્ટોરન્ટ સફર કરતી વખતે સ્વાદિષ્ટ ભોજનની સાથે આનંદથી ભરપૂર પ્રવૃત્તિઓ હશે અને લોકો માટે આરામદાયક મુસાફરી બની જશે. પ્રોજેક્ટના સમગ્ર વિકાસના લીધે નદી આરામ અને મનોરંજન માટેનું શ્રેષ્ઠ સ્થાન બની રહેશે.સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડ દ્વારા અનેક નવા પ્રકલ્પ મુકવામાં આવ્યા છે. તેમાં વધુ એક નવું નજરાણુ ઉમેરવામાં આવ્યું છે. જે આવનાર સમયમાં સાબરમતી રિવરફ્રન્ટની યશ કલગીમાં વધારો થશે.