અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યમાં રખડતા ઢોરને મુદ્દે થયેલી જાહેર હિતની અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ. જેમાં હાઈકોર્ટના નિર્દેશ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોગંદનામું દાખલ કર્યું છે અને ઢોર પકડવાની નીતિ રજૂ કરી છે. કોર્પોરેશને ઢોરના ત્રાસને ડામવા બાઉન્સર રાખવાનો નિર્ણય લીધો છે. જેના માટે ગુજરાત સ્ટેટ લેગલ સર્વિસીસ ઓથોરિટીએ 96 જેટલા હોટસ્પોટ નક્કી કર્યા છે. જ્યાં ઢોરનો ત્રાસ વધુ હોય છે. આ તમામ સ્થળો પર કોર્પોરેશન બાઉન્સર રાખશે. તો બીજી તરફ રખડતા ઢોરથી મૃત્યું પામેલા કેસમાં સહાય માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત સ્ટેટ લેગલ સર્વિસીસ ઓથોરિટીએ જાહેર કરેલા 96 જેટલા સ્થળોને કોર્પોરેશને રખડતા ઢોરના ત્રાસ અંગેના હોટસ્પોટ માન્યા છે. આ 96 સ્થળોએ બે શિફ્ટમાં બાઉન્સર કામ કરશે. કોર્પોરેશને રખડતા ઢોરના ત્રાસના ડામવા માટે બનેલી નવી નીતિ પણ કોર્ટના રેકોર્ડ પર મૂકી છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટી અને આ જનરલ બોર્ડની મંજૂરીથી નીતિનો અમલ થશે તેવી પણ સોગંદનામાંમાં કબૂલાત કરવામાં આવી છે. રખડતા ઢોરના ત્રાસના કારણે થતા મૃત્યુના કિસ્સાઓમાં વળતર માટે નીતિ બનાવવા માટે કોર્પોરેશને રાજ્ય સરકારને વિનંતી કરી હોવાની પણ કબુલાત કરી છે.
રાજ્યમાં રખડતાં ઢોરોના ત્રાસના કારણે રોજના અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. રખડતાં ઢોરોના કારણે નાગરિકો હેરાન-પરેશાન થતા હોય છે. જેને લઈને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકાર દ્વારા રખડતાં ઢોર નિયંત્રણ કાયદો લાવવાના હતા. પરંતુ ચૂંટણીના કારણે આ કાયદાને મંજૂરી આપવામાં આવી નથી. સરકારે બનાવેલા કાયદામાં જે જોગવાઈઓ હતી. તેને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોલિસી તરીકે લાગુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.