મહેમદાબાદ : શક્તિપીઠ અંબાજી ખાતે મોહનથાળનો પ્રસાદનો ભારે વિવાદ બાદ ચિકીની સાથે મોહનથાળનો પ્રસાદ યથાવત્ રાખવાનો નિર્ણય લેવો પડ્યો હતો. એ જ સમય દરમિયાન ભક્તોની ભાવનાને વાચા આપતાં મહેમદાવાદ નજીક આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં મોહનથાળનો પ્રસાદ 10 માર્ચથી શરૂ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મહમ્મદાબાદ પાસે સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ટ્રસ્ટ દ્વારા મંદિરમાં 10 માર્ચથી નિઃશુલ્ક મોહનથાળના પ્રસાદનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે.વધુમાં અંબાજી ખાતે ભક્તોને મોહનથાળના પ્રસાદ માટે પૈસા ખર્ચવા પડે છે જ્યારે આ સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોને પ્રસાદનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે. માત્ર એક જ મહિનામાં મંદિર ટ્રસ્ટ દ્વારા શુદ્ધ ઘીમાં તૈયાર કરવામાં આવેલા 1 લાખ કિલો મોહનથાળના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. જો કે લાડુનો પ્રસાદ પણ યથાવત રાખેલ છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પ્રસાદ વિનામૂલ્યે ભક્તોને આપવામાં આવે છે. મંદિરમાં દર બીજા દિવસે લગભગ 3 હજાર કિલો મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આમ અત્યાર સુધીમાં 50 હજાર કિલો જેટલું મોહનથાળ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે.