અમદાવાદ : વૈશાખ સુદ બીજ એટલે અખાત્રીજ, અક્ષય તૃતીયા નો દિવસ. હિંદુ સંસ્કૃતિમાં શુભ ગણાતા આ દિવસે લગ્ન, જનોઇ, વાસ્તુ, નામકરણ જેવા અનેક કાર્યો કરવામાં આવે છે. અખાત્રીજના આ દિવસે ભગવાન પરશુરામની જન્મ જયંતિ પણ મનાવવામાં આવે છે. સમગ્ર માનવજાત માટે સતત વિચારનાર અને આપખુદશાહીનો અંત લાવનાર તેમજ શાસ્ત્રની સાથે શસ્ત્રનો પણ ઉપયોગ કરનાર પરશુરામની જયંતિ આજના દિવસે ઉજવવામાં આવે છે.આજે રાજ્યના મહાનગરોમાં પરશુરામ જયંતિની ઉજવણી ઉત્સાહભેર થઈ હતી.અમદાવાદ સહીત રાજ્યમાં પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મસમાજ દ્વારા ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદની વાત કરીએ તો પરશુરામ જયંતિ નિમિતે આજે અમદાવાદના સારંગપુર કર્ણમુક્તેશ્વર મહાદેવથી પરશુરામની શોભાયાત્રા નીકળી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પરશુરામની શોભાયાત્રા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી. સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો વાહનો લઈને યાત્રામાં જોડાયા હતા.આ ઉપરાંત અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ પરશુરામ જયંતિની ઉજવણી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી.
સોલા વિદ્યાપીઠથી ભવ્ય શોભાયાત્રા બલોલનગર થઇ વ્યાસવાડી, નવા વાડજ ખાતે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. નવા વાડજમાં વ્યાસવાડી ચાર રસ્તા ખાતે આવેલ ભગવાન પરશુરામ પ્રતિમાને અનેક રાજકીય અને સામાજીક મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી, મેયર, અનેક ધારાસભ્યો, મ્યુ કાઉન્સિલરો અને અનેક બ્રહ્મસમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત વ્યાસવાડી ચાર રસ્તા પાસે રાત્રે ડાયરાનું પણ આયોજન કરાયું હતું.
આ ઉપરાંત પાલડી વિસ્તારના રામજી મંદિરથી પરશુરામ ભગવાનની રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો. પાલડીથી વાડજ સુધી 18 કિલોમિટરની રથયાત્રાનું રસ્તામાં ઠેર-ઠેર ભાવિકોએ સ્વાગત કર્યું હતું. બ્રહ્મ સમાજ દ્વારા છેલ્લા 10 વર્ષથી રથયાત્રા યોજવામાં આવે છે. પરશુરામ જંયતિની ઉજવણીમાં હિંદુ સંગઠનો અને સાધુ સંતો પણ જોડાયા હતા.