અમદાવાદ : સામાજિક સ્વરૂપને અખંડ રાખવા અને એ દરેક સમાજના મૂળમાં રહેલ માનવીને સુસંસ્કૃત જીવન પ્રદાન કરવામાં અગત્યનો ફાળો આપનાર પુસ્તક, એ મનુષ્યરચિત ઉત્તમ કર્મ છે.
તા.23 એપ્રિલ કે જે ‘વિશ્વ પુસ્તકદિન’ તરીકે ઉજવાય છે, તે સમગ્ર વિશ્વને પુસ્તકની મહત્તા દર્શાવતો દરેક વાચક માટે પાવન દિવસ હોય છે ત્યારે, જાણીતા લેખક રમેશ તન્નાના સકારાત્મક શ્રેણીના દસમાં પુસ્તક ‘સમાજનો છાંયડો’ નું વિમોચન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સ્વહસ્તે કર્યું અને વિશ્વ પુસ્તક દિનને એક ઉત્તમ કૃતિ સમર્પિત કરી હતી.
વિશ્વ પુસ્તક દિવસના અવસરે વરિષ્ઠ પત્રકાર અને સંપાદક શ્રી રમેશ તન્ના દ્વારા લિખિત પુસ્તક ‘સમાજનો છાંયડો પોઝિટિવ સ્ટોરીઝ’ નું વિમોચન કર્યું.
શ્રી રમેશ તન્નાએ તેમના પુસ્તકમાં સમાજજીવનને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ આવરી લઈને સમાજને સકારાત્મક સંદેશ આપ્યો છે, જે સરાહનીય છે. pic.twitter.com/ywLguzOXci
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 23, 2023
લેખક રમેશ તન્નાના કહેવા મુજબ આજનો માણસ ચારેકોરથી કોઈને કોઈ સમસ્યા અથવા વિષમ સંજોગોથી ઘેરાયેલ હોવાથી તેના માનસપટ પર તેની સીધી કે આડકતરી અસર થાય છે , જેથી એ ગૂંચવાયેલ માણસ વિચારોના આડા પાટે ચઢી નકારાત્મક અભિગમ તરફ દોરાય તે સ્વાભાવિક છે. મોટા ભાગે માણસ ધ્યાન, યોગ, ભક્તિ, કલા અને પુસ્તક વાચનમાર્ગે ચાલી સકારાત્મક દિશા સહજતાથી પ્રાપ્ત કરે છે ત્યારે મારી પાસે જે છે તે સમાજને આપી, હું સમાજ પ્રત્યે મારું ઋણ અદા કરું છું. સકારાત્મક શ્રેણીના આ 10 પુસ્તક લખવાની પ્રેરણા પણ મારા વાચકના મળતા પ્રતિભાવો છે, જે મને નવિન કૃતિ તરફ આંગળી પકડી દોરી જાય છે.
આજનો જમાનો ભલે ઇન્ટરનેટ અને ઈ બૂકનો હોય પરંતુ જ્યાં સુધી લેખક ને લેખનનું અસ્તિત્વ છે, સમાજમાં પુસ્તક વાંચનાર વર્ગ કદી લુપ્ત થઈ ના શકે અને એ સંસ્કાર જ આપણા સમાજના ઇતિહાસ થકી ભાવિ પેઢીને જીવન જીવવાની સુવ્યવસ્થિત શૈલી પ્રદાન કરશે.