અમદાવાદ : અમદાવાદના સોલા વિસ્તારમાં યુવકની આપઘાતને લઈ મોટો ખુલાસો સામે આવ્યો છે. યુવકને ન્યૂડ અશ્લીલ વીડિયો બતાવીને બ્લેકમેલ કરી 8 લાખ પડાવી લીધા હતા.જોકે યુવકના આપઘાત બાદ પણ ફોન આવતા પરિવારને મામલાની જાણ થઈ હતી.જે બાદ આપઘાતનું સાચું કારણ સામે આવ્યું હતું.
પોલીસ પકડમાં આવેલા બન્ને આરોપીઓ ભરતપુરના મેવાત ગેંગના સભ્યો છે. બન્ને આરોપીઓ અન્ય આરોપીઓ સાથે મળી દેશભરમાં અલગ અલગ લોકોને ન્યૂડ વીડિયો બતાવીને બ્લેક મેલ કરીને રૂપિયા પડાવી લેવાનુ કામ કરતા હતા. આરોપી અંસાર મેવ અને ઈર્શાદ મેવ સોલામાં રેહતાં યુવકને ફેક અશ્લિલ વીડિયો કોલ કરીને બ્લેકમેલ કરવાનુ ચાલુ કર્યું હતું. આરોપીઓ થોડા થોડા કરી ને 8 લાખ પડાવી લીધા હતા અને ત્યાર બાદ વધુ રૂપિયાની માંગણી કરી રહ્યા હતા. ભોગ બનનાર યુવક આબરુ જવાના ડરને કારણે કોઈ ને કહી ના શક્યા અને ઘરે ફાંસો લગાવીને આપઘાત કરી લીધો.
હાલમાં ન્યૂડ વીડિયો કોલ કરી લોકોને ફસાવવાનું જબ્બર કૌભાંડ ચાલી રહ્યું છે. જેમાં વ્યક્તિ વીડિયો કોલ ઉપાડે કે તેની સાથે તેને અભદ્ર વીડિયો બતાવવામાં આવે અને તે સમગ્ર કોલ એક તરફ રેકોર્ડ પણ થઈ રહ્યો હોય તેમાં પીડિત વ્યક્તિની તસવીર સાથે ન્યૂડ વીડિયો કોલનું રેકોર્ડિંગ થઈ જતું હોય છે. જે પછી આ ગેંગ દ્વારા જે તે વ્યક્તિને બ્લેકમેઈલ કરીને તેની પાસેથી રૂપિયા ખંખેરવામાં આવતા હોય છે. ઘણી વખત તો આ ગેંગનો જ કોઈ સભ્ય પોલીસ અધિકારી, સીબીઆઈ, ક્રાઈમ બ્રાન્ચ વગેરે જેવા અધિકારી કે કર્મચારી હોવાની ઓળખ આપીને પણ ડરાવતા ધમકાવતા હોય છે જેથી વ્યક્તિ તુરંત રૂપિયા આપવા માની જાય.
જોકે આ ગેંગ એક વખત રૂપિયા મળ્યા પછી પણ પીછો છોડતી હોતી નથી. આ જ વીડિયોને લઈને વ્યક્તિને ઘણી વખત વારંવાર બ્લેકમેઈલ કરવામાં આવતો હોય છે. આવું જ કાંઈક અમદાવાદના સોલા વિસ્તારમાં એક યુવક સાથે બન્યું હોવાનું સામે આવ્યું છે. જોકે આ યુવકે બદનામીના ડરથી આપઘાત કરી લીધો હોવાનું પ્રારંભીક ધોરણે માનવામાં આવી રહ્યું છે. પરંતુ જો આ ઘટનામાં યુવકે પોલીસની મદદ લીધી હોત તો કદાચ આજે તે જીવીત હોત અને આરોપીઓને પોતાની આંખે કાયદાનો પાઠ ભણતા પણ જોયા હોત.