અમદાવાદ : અમદાવાદમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે.અમદાવાદમાં બાઇક અકસ્માતમાં સગીરનું મોત થતાં ટ્રાફિક પોલીસે સગીરના પિતા સામે ગુનો નોંધ્યો છે. મહત્વનું છે કે, ત્રણ મિત્રો બાઇક પર ત્રિપદા સ્કૂલ પાસે આવેલા મેદાનમાં ક્રિકેટ રમવા જઈ રહ્યા હતા. ત્યારે કૂતરું આડે આવતાં બાઈક સ્લીપ થતાં ત્રણેય મિત્રો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી બાઈકચાલક સગીરનું મોત નિપજ્યું હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર, અમદાવાદના શાસ્ત્રીનગરમાં આવેલી ત્રિપદા સ્કૂલ પાસેના મેદાનમાં ક્રિકેટ રમવા જવા માટે ભાવેશ (ઉં.વ 16) તેના બે મિત્રો પ્રકાશ (ઉં.વ 20) અને રવિ (ઉં.વ 15) સાથે બાઇક પર નીકળો હતો. ભાવેશ તેના પિતના બાઈકમાં બે મિત્રોને લઈને ક્રિકેટ રમવા જઈ રહ્યો હતો. આ વેળાએ પ્રભાતચોક ત્રણ રસ્તા પાસેથી તેના બાઇકની આગળ એકાએક કૂતરું આવી ગયું હતું. જેથી બાઇક સ્લીપ થઈ જતાં ત્રણેય રસ્તા પર ઢસડાયા હતા.
આ અકસ્માતમાં ભાવેશને માથાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે અન્ય બેને સામાન્ય ઈજાઓ થઈ હતી. જેથી ત્રણેયને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભાવેશનું મોત નીપજ્યું હતું. જે બાદ ટ્રાફિક પોલીસને ભાવેશ સગીર વયનો હોવા છતાં બાઈક લઇને જઈ રહ્યો હોવાનું જાણવા મળતા પોલીસે તેના પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
અત્રે તમને જણાવી દઈએ કે દેશમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવી શકે નહીં, બાળકો વાહન ચાલવતા પકડાઈ તો દંડ માતા-પિતા પર લાગી શકે છે. માતા-પિતાને રૂપિયા 25000નો દંડ અને 3 વર્ષ સુધીની જેલ થઇ શકે છે.