અમદાવાદ : અમદાવાદના માધુપુરા વિસ્તારમાંથી ઝડપાયેલા ક્રિકેટના 1800થી 2000 કરોડના સટ્ટાકાંડમાં સ્ટેટ મોનેટરિંગ સેલને મોટી સફળતા હાથ લાગી છે. ત્યારે હવે કરોડોના સટ્ટા કૌભાંડમાં વિજિલન્સે એક પછી એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવાનું શરુ કર્યું છે. જેમાં આજે સ્ટેટ મોનેટરિંગ સેલે આ સટ્ટા કાંડમાં સટ્ટો રમી રહેલા બુકીઓને આઇડી આપ્યું હતું તેની ધરપકડ કરી છે. હવે પોલીસ તેના રિમાન્ડ માગી વધુ કાર્યવાહી હાથ ધરવાની છે.પરંતુ હજુ આ ક્રિકેટ સટ્ટાકાંડમાં બીજા ઘણા આરોપીઓ કે જે મોટા માથાઓ છે તેમને પકડવાના બાકી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કરોડોના સટ્ટા કૌભાંડમાં એક પછી એક રાજ ખોલવાનું શરૂ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદમાં સૌથી મોટા 1800 કરોડના સટ્ટાની તપાસ શરૂ કર્યા બાદ એક ડઝનથી વોન્ટેડ આરોપીઓને પકડવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા. જેમાં SMCની ટીમને બાતમી મળી હતી કે, આ સટ્ટામાં જે બુકી દ્વારા આઇડી આપવામાં આવી હતી તે અમદાવાદના વસ્ત્રાલમાં રહેતો નિલેશ પ્રવીણભાઈ રામી ઉત્તરાખંડના કેદારનાથ ગયો છે. પોલીસે તેની તપાસ શરૂ કરી અને તેની કડી ઋષિકેશ પાસેની એક હોટલમાં મળી હતી. SMCની ટીમે ત્યાં પહોંચી તેની ધરપકડ કરી છે.નિલેશ રામીએ મુખ્ય સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગના આઈડી પુરા પાડ્યા હતા. તે મુખ્ય બુકી તરીકેના હર્ષિલ જૈન સહિતના આરોપીઓ સાથે પૈસાના હવાલા કરવાનો રોલ નિભાવતો હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં તપાસ ચાલુ છે અને વધુ વિગતો પણ કાર્યવાહી દરમિયાન સામે આવશે.
માધુપુરા વિસ્તારમાંથી ઝડપાયેલા ક્રિકેટના 1800થી 2000 કરોડના સટ્ટાકાંડમાં કાર્યવાહી દરમિયાન 5 આરોપીઓ પકડાઈ ગયા હતા. SMC દ્વારા આ કેસમાં હાલ ઉત્તરાખંડની એક હોટલમાંથી નિલેશ રામીની ધરપકડ કરીને તેની સાથે ખરેખર કેટલા લોકો હતો અને રેડ સમયે અને ત્યારબાદ તેની સાથે પોલીસે કોઇ કોન્ટેક્ટ કર્યો હતો અથવા આખું નેટવર્ક કઈ રીતે ચાલતું હતું તે વિશે વિગતો મેળવવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.