અમદાવાદ : અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં આવા વાહનો સામે એક દિવસની ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં નંબર પ્લેટ સાથે ચેડાં કર્યા હોય અથવા નંબર પ્લેટ પર અલગ અલગ લખાણ લખ્યા હોય તેવા 123 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આ બાબતે ટ્રાફિક DCPએ જણાવ્યું હતું કે, જરૂર જણાશે તો આ ડ્રાઈવ આગળના દિવસોમાં પણ ચાલુ રખાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં ટ્રાફિક પૂર્વની હદમાં આવેલા 6 ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા એક દિવસ માટે નંબર પ્લેટ માટેની ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન પોલીસે નંબર પ્લેટ સાથે ચેડાં કર્યા હોય અથવા નંબર પ્લેટમાં લખાણ કર્યા હોય તેવા વાહન રોકીને જપ્ત કરવામાં આવ્યા હતા. ટુ વ્હીલર અને ફોર વ્હીલર મળીને કુલ 123 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે માત્ર 24 કલાકમાં જ વાહનો જપ્ત કર્યા છે.
આ અંગે ટ્રાફિક DCP સફિન હસને જણાવ્યું હતું કે, વાહન ચાલકોએ RTO માન્ય નંબર પ્લેટ રાખવી પડશે. નંબર પ્લેટ સાથે ચેડાં કરનાર કે નંબર પ્લેટ પર અલગ અલગ લખાણ લખનાર વ્યક્તિઓના વાહન જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી 1 દિવસ માટે કરવામાં આવી છે, પરંતુ જરૂર જણાશે તો પોલીસ દ્વારા આ કાર્યવાહી ચાલુ રખાશે.