અમદાવાદ: ગઈકાલે રાતે અમદાવાદ શહેરમાં પોલીસે મેગા ડ્રાઈવ કરી હતી. પોલીસે ટ્રાફિક નિયમો તોડનાર વાહનચાલકો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ કરીને અમદાવાદ શહેરના સિંધુ ભવન, એસપી રીંગરોડ પર પોલીસે સઘન ચેકિંગ કર્યું હતું. પોલીસ દ્વારા સમગ્ર એસજી હાઇવે પરના દરેક ચાર રસ્તે વાહન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
અમદાવાદના એસજી હાઇવે અને સિંધુ ભવન રોડ પર યુવાઓની હાજરી વધુ હોય છે, પરંતુ ગઈકાલે પોલીસની હાજરીથી યુવાઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. આ દરમિયાન પોલીસે 50થી વધારે વાહનો ડિટેઈન કર્યાં હતાં. આ ઉપરાંત 15 લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહી જોઈને કેટલાક લોકોએ રસ્તો પણ બદલી નાખ્યો હતો.અમદાવાદ શહેર બાદ રાજ્યના તમામ શહેરોમાં એક મહિના સુધી મેગા ડ્રાઈવ ચાલવાની છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગઈકાલ રાત્રે વાહન ચેકિંગ તેમજ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું@sanghaviharsh @GujaratPolice @InfoGujarat #AhmedabadPolice pic.twitter.com/CdsPuVRAD6
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) May 16, 2023
આ મેગા ડ્રાઈવ દરમિયાન પોલીસના ધાડેધાડા એસજી હાઈવે, એસપી રિંગ રોડ પર ઉતારી દેવામાં આવ્યા હતા. એક-એક વાહનોનું પોલીસ ચેકિંગ કરી નશો કરીને વાહન ચલાવતા નબીરાઓનું ચેકિંગ હાથ ધર્યું હતું. તો બીજી તરફ SP રીંગ રોડ પર આવેલા કેફેમાં પણ પોલીસે સર્ચ કર્યું હતું. આ તપાસનું એક જ કારણ હતું કે શહેરમાં અનેક વખત કેફેમાં દારૂની મહેફિલો યોજાતી હોય છે. અને મોટેભાગે નશાની હાલતમાં વાહન હંકારતા અકસ્માત પણ થાય છે.
આ ડ્રાઈવમાં ઝોન-1 ડીસીપી, 2 એસીપી,પીઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો હતો. પકવાન ચાર રસ્તા, ટાઈમ સ્કવેર, તાજ હોટલ, ઇસ્કોન ચાર રસ્તા, YMCA કલબ, હેબતપુર, કારગિલ, ભાગવત ચાર રસ્તા, ગોતાબ્રિજ અને વૈષ્ણોદેવી સર્કલ એમ અલગ અલગ પોઇન્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું.