અમદાવાદ તા.17 : રાજયમાં કલોલની નવી બે ખાનગી મેડીકલ કોલેજને મંજૂરી મળતા મેડીકલની 300 બેઠકોનો વધારો થવા પામેલ છે. આગામી દિવસોમાં નીટનું પરિણામ જાહેર થયા બાદ મેડીકલની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. નીટનું પરિણામ જાહેર થયા બાદ મેડીકલ પ્રવેશ સમિતી દ્વારા પ્રવેશનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવનાર છે.
મેડીકલમાં પ્રવેશ માટે ઓવરઓલ અંદાજે 6400 બેઠકો ઉપલબ્ધ છે. સૂત્રોએ જણાવેલ છે કે નેશનલ મેડીકલ કમીશન દ્વારા ચાલુ વર્ષે રાજયમાં બે નવી પ્રાઈવેટ મેડીકલ કોલેજોને મંજૂરી આપી દેવામાં આવી છે. અમદાવાદની પાસે કલોલમાં જ આ બન્ને પ્રાઈવેટ કોલેજો શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી આ બન્ને કોલેજોમાં 150 પ્રમાણે કુલ 300 બેઠકોની મંજૂરી આપવામાં આવી છે. આગામી દિવસોમાં થનારી પ્રવેશ પ્રક્રિયામાં આ બન્ને કોલેજોની બેઠકોને સામેલ કરી દેવામાં આવશે.
આમ, રાજયમાં બે મેડિકલ કોલેજોનો વધારો થતા 300 જેટલા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. રાજયમાં હાલમાં 6400 બેઠકો ઉપલબ્ધ છે. હાલમાં કલોલ વિસ્તારમાં જ બે મેડીકલ કોલેજોને મંજૂરી મળ્યા બાદ આગામી દિવસોમાં રાજયમાં અન્ય વિસ્તારોમાં પણ નવી મેડીકલ કોલેજોને મંજુરી આપવામાં આવે તો બેઠકોમાં હજુ વધારો થઈ શકે તેમ છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં કેટલી કોલેજોને સામેલ કરવામાં આવશે અને કેટલી બેઠકો રહેશે તે સહિતનો કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.