અમદાવાદ : અમદાવાદીઓને હવે ગોવા જવાની જરૂર નથી, હવે અમદાવાદીઓ રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અને મ્યુઝિકની મજા માણી શકશે. વાસણા બેરેજ ખાતે વિશાળ ક્રૂઝ બનીને તૈયાર છે.હાલ સાબરમતી નદીમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની ટ્રાયલ લેવાઈ રહી છે. જેના બાદ તે લોકો માટે ખુલ્લુ મૂકાશે. સાબરમતી નદીમાં 20 જૂને રથયાત્રાના દિવસથી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરી દેવાશે. આ માટે રિવરફ્રન્ટ કંપનીએ કામકાજ શરૂ કરી દીધું છે.
વિશાળ ક્રૂઝમાં ભોજન અને મ્યૂઝિકની મજા પણ માણી શકાશે. હવે ગોવાની જગ્યાએ અમદાવાદમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા પણ માણી શકાશે. સરદાર બ્રિજથી ગાંધીબ્રિજ સુધીના સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ફરશે. આ વિશાળકાળ ક્રૂઝમાં 150 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા હશે. પરંતુ હા..ક્રૂઝની વિવિધ સેવાના અલગ અલગ ચાર્જ હશે. 2 હજારથી 2500 ચાર્જ હશે.
વિગતો મુજબ આ ક્રુઝમાં મ્યુઝિકલ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની સુવિધા છે. જેમાં લંચ અને ડિનરની સુવિધા હશે. સવારે 11.30થી 1 અને 1થી 2.30 વાગ્યા સુધી એમ બે ફેરામાં 100-100 માણસો નદી સફર માણતા માણતા લંચ લઈ શકશે. તો ડનિર માટે સાંજે 8થી 9.30 અને 9.30થી 11 વાગ્યા સુધી એમ બે ડિનરની સુવિધા આપવામાં આવશે.
આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની ક્ષમતા 150 માણસોની છે, જેમાં 30 જેટલા સ્ટાફની ગણતરી કરવામાં આવી છે. આ સ્ટાફમાં 30 જેટલા ક્રૂ-મેમ્બર્સ, રેસ્ટોરાંનો સર્વિસ સ્ટાફ, કેપ્ટન સામેલ છે. તેથી બાકીના લોકોને મુસાફરો તરીકે પ્રવેશ આપી શકાશે. રિવરફ્રન્ટના સરદાર બ્રિજથી લોઅર પ્રોમિનન્ટથી અટલ બ્રિજ જતાં જેટી ઊભી કરવામાં આવશે. જ્યાંથી લોકો ક્રૂઝમાં બેસી શકશે.
જો તમે આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં જવા માંગતા હોય તો ધ્યાન રાખો કે, તેનુ બુકિંગ ઓનલાઈન રહેશે. સ્થળ પર બુકિંગની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નહિ રહે. ભીડ ન થાય તે માટે આ પ્રકારની એન્ટ્રી વ્યવસ્થા ગોઠવાઈ છે.