અમદાવાદ : અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલમાં ડીપીમાં બ્લાસ્ટ થયાની વિગતો સામે આવી છે. હાઈટેન્શન એક્ટીવ રૂમમાં બ્લાસ્ટ થતા બેથી ત્રણ વ્યક્તિને કરંટ પણ લાગ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તેના કારણે હોસ્પિટલના ઘણા ભાગોમાં વીજળી જતી રહેવાને કારણે દર્દીઓ પરેશાનીનો ભોગ બન્યા હતા.
મળતી માહિતી મુજબ SVP હોસ્પિટલમાં આવેલા ઈલેક્ટ્રીક સપ્લાઈઝને લગતા એક્ટિવ રૂમમાં આજે મંગળવારે અચાનક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ થતાને પગલે ત્યાં હાજર ત્રણેક વ્યક્તિ એક્ટિવ રૂમનો દરવાજો ખોલી તપાસવા જતા તેમને પણ કરંટ લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે અહીંથી સપ્લાય થતી વીજળીનો પાવર સામાન્ય નહીં પરંતુ અત્યંત હાઈ હોય છે. જેના કારણે આ ત્રણેયને વીજળીનો કરંટ લાગતા તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા છે.
અચાનક ડીપીમાં બ્લાસ્ટ થતા હોસ્પિટલમાં વીજ સપ્લાયને લગતી સમસ્યાઓ ઊભી થઈ હતી. જેના પગલે ત્યાં કામ કરતા તબીબી સ્ટાફ, નર્સીંગ સ્ટાફ ઉપરાંત દર્દીઓને પણ હાલાકીનો ભોગ બનવું પડ્યું છે.