અમદાવાદ : રેલવે મંત્રાલય દ્વારા દેશની મહત્વની ઐતિહાસિક સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળોને પ્રોત્સાહન આપવા અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને લોકો સુધી વધુ ને વધુ પહોંચે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રેલવે વિભાગ દ્વારા આ માટે ‘ભારત ગૌરવ ટ્રેન’ ની શરૂઆત કરી છે. ત્યારે આ માટે વધુ એક ટ્રેનની શરૂઆત કરવામાં આવશે. 23 જૂનથી રોજ સાબરમતી સ્ટેશનથી “શ્રી રામેશ્વરમ તિરુપતિ દક્ષિણ દર્શન યાત્રા” ટ્રેન શરૂ કરવામાં આવશે.
રેલવે વિભાગ દ્વારા દેશની ઐતિહાસિક સંસ્કૃતિ અને ધાર્મિક સ્થળો સુધી લોકો પહોંચે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેને પગલે 23 જૂન થી ખાસ ટ્રેન શરૂ થશે જે પાંચ યાત્રા ધામને આવરી લેશે. આ ટ્રેન અંગે યાત્રાની વધુ વિગતો અને ઓનલાઈન બુકિંગ માટે www.irctctourism.com/bharatgaurav અને 8287931718/9321901849 પર ફોન કરી માહિતી મેળવી શકાશે.
શ્રી રામેશ્વરમ તિરુપતિ દક્ષિણ દર્શન યાત્રાની શરૂઆત સાબરમતીથી થશે અને 7 રાત અને 8 દિવસના પ્રવાસમાં પાંચ યાત્રાધામો પર દર્શન માટે પહોંચશે. ટૂર પેકેજ ની કિંમત સ્ટાન્ડર્ડ 3 AC માટે રૂ. 27,500 અને ઇકોનોમી સ્લીપર ક્લાસ માટે રૂ. 15,900 પ્રતિ વ્યક્તિ હશે.
સાબરમતીથી શરૂ થનાર ટ્રેનમાં મુસાફરોને તિરુપતિ, રામેશ્વરમ, મદુરાઈ અને કન્યાકુમારીની મુલાકાત લેવાની અનોખી તક મળશે. તમામ રેલ મુસાફરોના લાભ માટે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોના 9 મહત્વના સ્ટેશનો પર બોર્ડિંગ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.