અમદાવાદ: શહેરના વિશાલા નારોલ નેશનલ હાઇવેના શાસ્ત્રી બ્રિજને લઇને સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજ પરથી હવે મોટા વાહનો પસાર નહીં થઈ શકે. આ બ્રિજ જર્જરિત હોવાને કારણે આજથી બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રશાસને પ્રતિબંધ મૂક્યો છે. માત્ર પેસેન્જર રિક્ષા, ટુ-વ્હીલર્સ અને ફોર-વ્હીલર્સ વાહન બ્રિજ પરથી પસાર થઇ શકશે. આજથી બ્રિજ પરથી લોડિંગ રીક્ષા, ટ્રક, બસ બ્રિજ ઉપરથી પસાર થઇ શકશે નહીં. કોઈપણ સૂચના વગર બ્રિજ આજથી ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
વિશાલા ત્રણ રસ્તાથી પીરાણા ચાર રસ્તા તથા નારોલ સર્કલ તરફ જતા તમામ પ્રકારના ભારે વાહનોએ વિશાલા ત્રણ રસ્તાથી વાસણા એ.પી.એમ.સી. માર્કેટ ચાર રસ્તા, વાસણા ત્રણ રસ્તા, અંજલી ચાર રસ્તાથી જમણી બાજુ વળી ડો.આંબેડકર બ્રિજ ઉપરથી ખોડીયારનગર ચાર રસ્તાથી જમણી બાજુ પીપળજ-પીરાણા રોડ ઉપર સીધા પીરાણા ચાર રસ્તા તથા પીરાણા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી નારોલ સર્કલ તરફ જવાનું રહેશે. અથવા તો ખોડીયારનગર ચાર રસ્તાથી સીધા દાણીલીમડા ચાર રસ્તાથી જમણી બાજુ વળી ચંડોળા તળાવ ચાર રસ્તાર્થી સીધા નારોલ સર્કલ તરફ અવરજવર કરી શકાશે.
સરખેજ તરફથી આવી વિશાલા ચાર રસ્તાથી પીરાણા ચાર રસ્તા તથા નારોલ સર્કલ તરફ જતા વાહનોએ સરખેજથી બાકરોલ સર્કલથી ડાબી બાજુ વળી સરદાર પટેલ રીંગ રોડ ઉપર કમોડ સર્કલથી ડાબી બાજુ વળી પીરાણા ચાર રસ્તા તથા કમોડ સર્કલથી સીધા અસલાલી સર્કલથી ડાબી બાજુ વળી નારોલ સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.