અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર રૂ. 60 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા સાત માળનું મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર દર મહિને કોઈ મોટા કાર્યક્રમો થતાં હોય છે, ત્યારે પાર્કિંગની મોટી સમસ્યા સર્જાતી હોય છે. જેને લઇ રિવરફ્રન્ટ પર મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. પાર્કિગમાં 1,000થી વધુ ગાડીઓ અને ટુ-વ્હીલર પાર્ક કરી શકાશે.
AMC દ્વારા સાત માળનું મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે. હાલમાં પ્રાયોગિક ધોરણે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા તેને ચલાવવામાં આવશે. પ્રતિ બે કલાકના ટુ-વ્હીલર માટે 10 રૂપિયા અને ફોર વ્હીલર માટે 20 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. C પાર્કિંગમાંથી સીધા અટલફૂટ ઓવર બ્રિજ ઉપર જઈ શકાય તેના માટે ખાસ પણ બનાવવામાં આવ્યો છે. આ મલ્ટીલેવલ પાર્કિંગ બનવાથી ઇવેન્ટ સેન્ટર અને રિવરફ્રન્ટ ઉપર જે પણ લોકો આવે છે. તેઓને પોતાના વાહનોના પાર્કિંગની કોઈ સમસ્યા નડે અને રોડ ઉપર ટ્રાફિક ન થાય તેના માટે થઈ અને તૈયાર કરવામાં આવ્યું છે.
સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 60 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા મલ્ટીલેવલ પાર્કિગમાં પ્રવેશ બે તરફથી રાખવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પશ્ચિમ છેડે અટલબ્રિજના દરવાજા સામેથી તેમજ વીએસ સ્મશાનગૃહ તરફથી વાહનો મલ્ટીલેવલ પાર્કિગમાં જઈ શકશે. બંને તરફ પ્રવેશ અને બિલ્ડિંગ પાસે પાર્કિગમાં તમામ માળ ઉપર કેટલી ગાડીઓની જગ્યા છે તેની માહિતી દર્શાવતું LED સ્ક્રીન મુકવામાં આવી છે.
મલ્ટીલેવલ પાર્કિગમાંથી અટલ ફૂટ ઓવરબ્રિજ અને ફલાવર પાર્કમાં જઈ શકાય તેના માટે ખાસ સ્કાયવોક બનાવવામાં આવ્યો છે. જેથી લોકો સીધા પાર્કિગમાંથી અટલ ફૂટ ઓવરબ્રિજ અને ફલાવર પાર્કમાં જઈ શકશે. સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર, ગ્રાઉન્ડ, અટલ ફૂટ ઓવરબ્રિજ, ફલાવર પાર્ક, એસવીપી અને વીએસ હોસ્પિટલ તેમજ ટાગોર હોલ આવેલો છે. આ તમામ જગ્યા પર દર મહિને મોટા કાર્યક્રમો અને ઇવેન્ટ યોજાતી હોય છે. જેથી મલ્ટીલેવલ પાર્કિગ બનતાં હવે ખૂબ જ ફાયદો થશે.