અમદાવાદ : બિપરજોય વાવાઝોડામાં સંભવિત અસરોને લઇ તંત્ર પૂરી તૈયારી કરી ચુક્યું છે. NDRF ની ટીમોને પણ અસર થઇ શકે તેવા વિસ્તારોમાં મોકલી આપવામાં આવી છે. વાવાઝોડું બપોર બાદ જખૌ ટકરાય તેવી સંભાવના છે ત્યારે કચ્છ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પણ શરૂ થઇ ગયો છે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે. બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને લઇને ટ્રાફિક પોલીસે જાહેર જનતાને સુચના આપી છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ એક ખાસ વ્યવસ્થા બિપરજોય વાવાઝોડાને સંદર્ભે કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે બપોર બાદ ભારે વરસાદની આગાહીના પગલે જો વધુ વરસાદ પડે અને અંડરપાસમાં પાણી ભરાવવા લાગે તો અંડરપાસને બંધ કરી દેવામાં આવશે, તેવી જાહેરાત કરી છે. ઉપરાંત શહેરમાં હોલ્ડિંગ્સ પડે અથવા અન્ય કોઈ મુશ્કેલી સર્જાય તે સમયે કોર્પોરેશનની સાથે મળીને અમદાવાદ શહેર પોલીસ ખાસ કામગીરી કરશે.
કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અટલ બ્રિજ સહિત તમામ મનોરંજન સુવિધાઓ બંધ રહેશે. AMC અને પોલીસ વિભાગ જંકશન અને BRTS કોરિડોર પર પાણી ભરાવા અથવા અન્ય કોઈ ઘટનાને શોધી કાઢવા માટે CCTV કેમેરા પર નજર રાખશે. પાણી ભરાઈ જવાની કે ઈમરજન્સી અંગે માહિતી આપવા માટે ટ્રાફિક અધિકારીઓ પણ સમગ્ર શહેરમાં તૈનાત રહેશે.