અમદાવાદ : રથયાત્રાના એક દિવસ અગાઉ એટલે આજે સવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળા દ્વારા 16મી રથયાત્રા જોર-શોરથી નીકાળવામાં આવી હતી.મીની રથયાત્રા નીકળી એ સમયે ‘જય રણછોડ-માખણ ચોર’ના નાદથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. જો કે કોરોનાકાળ દરમ્યાન સતત બે વર્ષ સુધી આ રથયાત્રા મુલત્વી રખાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજમાં આવેલ અક્ષર પ્રાથમિક શાળામાં વહેલી સવારે આઠ કલાકે શાળાના હોલમાં શિક્ષકો, બાળકો અને તેમના માતા-પિતા દ્વારા આરતી કર્યા પછી 16મી મીની રથયાત્રા જોર-શોરથી નીકળી હતી. દર વર્ષની પરંપરા મુજબ આ મીની રથયાત્રામાં સુંદર શણગારેલ રથમાં બિરાજેલ જગન્નાથ ભગવાન, સુભદ્રાજી અને બલરામજીની ભાવ જગાવતી પ્રતિમાઓ અને આકર્ષક શણગાર જોવા માટે સમગ્ર વિસ્તારના રહીશો, રથયાત્રા રૂટ પરના વાહન ચાલકો તથા અબાલ વૃદ્ધ સર્વેએ દર્શનનો લાભ લીધો હતો. આ મીની રથયાત્રા શ્રીનગર સોસાયટી નવાવાડજ ખાતેથી નીકળેલી જગન્નાથ ભગવાનની રથયાત્રા નવા વાડજ વિસ્તારની પરિક્રમાએ નીકળી હતી.
બાળકોમાં અનેરો ઉત્સાહ – આનંદ જોઈ અને તેમના ‘હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી’, ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ જેવા ઉદઘોષથી વિસ્તારમાં જ્યાં જ્યાં રથયાત્રા નીકળી સોસાયટીના અને ફ્લેટના રહીશો રથયાત્રાના સ્વાગત માટે રસ્તા પર આવી ગયા.વાહનચાલકો, રહીશો અને જે પણ રસ્તામાં મળ્યા દરેક ભાવપૂર્વક ભગવાનના દર્શન કર્યા અને ફણગાવેલા મગ, જાંબુ અને ચોકલેટની પ્રસાદી લઈ ભાવવિભોર થયા.બાળકોની રથયાત્રાના માર્ગમાં ક્યાંક ઠંડા પાણીની વ્યવસ્થા તો ક્યાંક રહીશો દ્વારા બિસ્કીટ ના પેકેટો અને ગરમી અને બફારાથી બચવા બાળકોને ઠંડુ મજાનું શરબત મળે તે માટે ઠેર ઠેર કાઉન્ટરો ગોઠવવામાં આવ્યા હતા.
શાળાના સંચાલક અક્ષરભઈ જોશીનું કહેવું છે કે હિન્દુ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે પ્રાથમિક કક્ષાએ જ બાળકને આપણા ધાર્મિક તહેવારોની સમજણ કેળવાય તો તે બાળકો જ્યારે નાગરિક બને તો એક સુસંસ્કૃત સમાજની રચના થાય અને હિન્દુ ધર્મ અખંડ અને અમર સ્વરૂપે વિશ્વને પોતાના ઉચ્ચ વિચારોથી પ્રભાવિત કરી શકે.